logo-img
Gujarat Gorvenment Farmer Bonuses Will Be Available For Millet Sorghum Ragi

બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત મળશે બોનસ! : 1 ઓકટોબરથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ, ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન છે જરૂરી

બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત મળશે બોનસ!
Published by: Offbeat Team
| Last Updated: Sep 30, 2025, 11:56 AM IST

રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરાશે. જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2025 - 26 માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે ખરીદી માટે આ વર્ષે ડાંગર-કોમન માટે રૂ. 2369 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2389 પ્રતિ ક્વિ.,મકાઈ રૂ. 2400 પ્રતિ ક્વિ., બાજરી રૂ.2775 પ્રતિ ક્વિ., જુવાર-હાઈબ્રીડ રૂ. 3699 પ્રતિ ક્વિ., જુવાર –માલદંડી રૂ. 3749 પ્રતિ ક્વિ. તથા રાગી માટે રૂ. 4886 પ્રતિ ક્વિન્ટલની કિંમત નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ.300 નું બોનસ પણ આપવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે આવતીકાલ તા. 1 થી 31 ઓકટોબર 2025 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ નોંધણી કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી તા. 1 નવેમ્બર 2025 થી તા.30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7, 12, 8-અ ની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓએ ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂત મિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખેડૂતોએ ખાસ કાળજી લેવાની રહેશે. દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ.

નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 85111 71718 તથા 85111 71719 ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now