બોટાદ જિલ્લાના પાળીયાદ નજીક ગઈ રાત્રે એક ખૂબ જ ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ભારે ટક્કર થઈ હતી. જે ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર બસમાં 50થી 60 લોકો સવાર હતા અને અકસ્માતમાં 20થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ત્રણ લોકોના મોત થયા હતા
આ દુઃખદ ઘટનામાં રાણપુર તાલુકાના ઉમરાળા ગામના ત્રણ યુવાનોનું ઘટનાસ્થળે જ દુઃખદ અવસાન થયું છે. મૃતકોમાં મુકેશભાઈ ગોહિલ (ઉ.વ. 40), વલ્લભભાઈ વસાણી (ઉ.વ. 37) અને અલ્પેશભાઈ વસાણી (ઉ.વ. 35)નો સમાવેશ થાય છે. ત્રણેય મિત્રો એકસાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે આ ભયાનક અકસ્માતનો ભોગ બન્યા.
ત્રણ અર્થીઓ ઊઠતાં આખું ગામ હિબકે ચડ્યું
આ ઘટના બાદ ઉમરાળા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. એક સાથે ત્રણ અર્થીઓ ઊઠતાં આખું ગામ હિબકે ચડી ગયું. ગામમાં એક સાથે ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતાં શોકમાં માહોલ સર્જાયો હતો. આ ઘટના પરિવારજનો માટે તો બહુ મોટું દુઃખ છે, પણ આખા ગામ માટે પણ ભૂલાઈ ન શકે તેવી કાળઝાળ ક્ષણ બની ગઈ છે.