સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. લુણાવાડા-શામળાજી હાઈવે પર લીંબડીયા ચોકડી નજીક બે ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. મળતી માહિતી મુજબ, એક ટ્રક ધીમે ઝડપે આગળ જઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલા બીજા ટ્રક કન્ટેનરનું બ્રેક ન લાગી શકે અને તે સીધું આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે ટક્કર મારી હતી. જેમાં ટ્રક કન્ટેનર ચાલકનું મોત થયું છે.
ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ, 1નું મોત
અકસ્માત એટલો ગંભીર હતો કે પાછળની ટ્રકનો કેબિનનો ભાગ છૂટી ગયો અને કચ્ચરઘાણ વળી ગયો હતો. પાછળથી ટક્કર મારનારા ટ્રક કન્ટેનરના ડ્રાઈવરનું ઘટનાસ્થળ પર જ દુર્ઘટનામાં મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે માર્ગ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે તપાસ હાથધરી
સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાયા બાદ પોલીસની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. હાલ મૃતક ટ્રક ચાલકની ઓળખ કરવામાં આવી રહી છે અને બનાવને લઈને વધુ તપાસ ચાલી રહી છે. આ દુર્ઘટના એકવાર ફરીથી રસ્તા પર સાવચેતીપૂર્વક વાહન ચલાવવાનું મહત્વ ઉજાગર કરે છે.