નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ચૈતર વસાવાના ગઢમાં આમ આદમી પાર્ટીને મોટું રાજકીય ગાબડું પડ્યું છે, જ્યાં પાર્ટીના 550થી વધુ કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાઈ પોતાનું સમર્થન બદલ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર AAP નેતા ચૈતર વસાવાનો મજબૂત ગઢ માનવામાં આવે છે.
ચૈતર વસાવાના ગઢમાં AAPમાં ગાબડું
ડેડીયાપાડાના ટીલીપાડા ગામે ભાજપ આયોજિત એક વિશાળ કાર્યક્રમ દરમિયાન આ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરીને પક્ષમાં જોડાણ કર્યું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ નિલભાઈ રાવ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, તેઓ ભાજપની વિકાસવાદી વિચારધારા અને મજબૂત નેતૃત્વથી પ્રભાવિત થઈને AAP છોડીને ભાજપમાં જોડાયા છે. સમગ્ર કાર્યક્રમમાં ભાજપના આગેવાનોએ નવા જોડાયેલા તમામ કાર્યકર્તાઓને ખેસ પહેરાવીને પાર્ટીમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
રાજકીય પલટો
આ રાજકીય પલટાને લોકલ રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને જોવા જેવી વાત એ છે કે ચૈતર વસાવાના અસંતોષથી આ વિસ્તારના કાર્યકર્તાઓએ પક્ષ બદલ્યો છે કે નહીં તે ચર્ચાનો વિષય છે. હવે આગળ આગામી રાજકીય દિશા કઈ તરફ વળે છે તે જોવું રસપ્રદ રહેશે.