ગુજરાતમાં નવરાત્રિની ધૂમધામ વચ્ચે અમદાવાદ અને સુરતના જાણીતા ગરબા આયોજકો પર GST વિભાગે દરોડા પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, GST વિભાગે અમદાવાદ અને સુરતના અનેક મોટા ગરબા આયોજકો પર દરોડા પાડી તપાસ હાથ ધરી છે.
GST વિભાગની કાર્યવાહી
આ કાર્યવાહી ખાસ કરીને જાણીતા કલાકાર આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રી જોડાયેલા ગરબા આયોજકો સામે કરવામાં આવી છે. ગરબાના પાસ બ્લેકમાં વેચાઈ રહ્યા છે અને તેના પરથી મળતી આવક છુપાવવામાં આવી રહી છે, એવી ફરિયાદો અને ચોક્કસ માહિતીના આધારે GST વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
ગરબા આયોજકોમાં ફફડાટ
આ રેડની અસરથી અન્ય ગરબા આયોજકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. આયોજકો વચ્ચે હવે તટસ્થ રહેવાનો અને લેનદેણ સંબંધિત દસ્તાવેજો સાચવવાનો ચક્ર શરૂ થયો છે. સુરતની સુવર્ણ નવરાત્રી જેવી જાણીતી ઇવેન્ટ પર પણ રેડ કરવામાં આવી છે, જેનાથી હવે રાજ્યભરમાં ગરબા આયોજકોમાં એક પ્રકારનો ડરનો માહોલ સર્જાયો છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને જો આ આવક છુપાવવાના દોષ સાબિત થાય તો કાયદેસર પગલાં લેવામાં આવશે.