મહીસાગર જિલ્લામાં પોલીસ વિભાગમાં એક ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. કોઠંબા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે કથિત પ્રેમપ્રકરણ બહાર આવતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે મહીસાગરના જિલ્લા પોલીસ વડા સફીન હસને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા કોન્સ્ટેબલના પતિએ...
માહિતી મુજબ, મહિલા કોન્સ્ટેબલના પતિએ જ આ સમગ્ર બાબતની જાણ SP કચેરીએ કરી હતી. ત્યારબાદ SP સફીન હસનએ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી અને મુંબઈ પોલીસ (શિસ્ત અને અપીલ) નિયમો, 1956ના નિયમ-3(1-અ)(1) હેઠળ પગલાં લીધા.
મહિલા કોન્સ્ટેબલને ફરજમાંથી મોકૂફ
SPએ તાત્કાલિક અસરથી મહિલા કોન્સ્ટેબલને ફરજમાંથી મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો હુકમ કર્યો છે. સાથે જ પોલીસ ઇન્સ્પેક્ટરને લીવ રિઝર્વ પર મોકલવામાં આવ્યા છે. હુકમમાં જણાવાયું છે કે, જો આ મામલે ગેરવર્તણૂંક ખાતાકીય તપાસમાં પુરવાર થશે તો ફરજિયાત નિવૃત્તિ, રૂખસદ કે બરતરફી જેવી ગંભીર શિસ્તાત્મક કાર્યવાહી થઈ શકે છે.
પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય
સત્તાનો દુરુપયોગ થવાની અને સાક્ષી કે પુરાવાનો નાશ થવાની શક્યતા ધ્યાનમાં રાખીને મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટના પછી પોલીસ વિભાગમાં આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે, જ્યારે જિલ્લા પોલીસ વડા સફીન હસનની ઝડપી અને કડક કાર્યવાહી પ્રશંસનીય ગણાઈ રહી છે.





















