State-wide procurement of Kharif crops at support price begins: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂ. 15,000 કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે.
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.
તદુપરાંત, કૃષિ મંત્રીએ વેચાણ કરવા આવેલા વિવિધ ખેડૂતો સાથે સહજ ભાવે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતા પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
મગફળીના ભાવ
સર્વ વિદિત છે કે, મગફળીના આશરે રૂ. 5,000 પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. 7,263 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પોતાની જણસીના બજાર ભાવ કરતા આશરે રૂ. 2,263 પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.
ખેતીવાડીના અધિકારીઓ અને ખેડૂતો
આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, કો-ઓપરેટિવ પ્રોસેસિંગ સોસા.લી.ના ચેરમેન ચૌહાણ ધનવંતસિંહ, ગાંધીનગર જિલ્લા કલેકટર મેહુલ કે. દવે સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.




















