logo-img
Gujarat Energy Department Smart Lighting Implementation 2025

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું વીજબીલ ઘટાડવા લેવાયો મોટો નિર્ણય : હવે થશે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું વીજબીલ ઘટાડવા લેવાયો મોટો નિર્ણય
Published by: Offbeat Team
| Last Updated: Nov 08, 2025, 05:02 AM IST

રાજ્ય સરકારે હવે શહેરો અને ગામોમાં જાહેર લાઇટિંગથી થતો વધારાનો વીજ ખર્ચ ઘટાડવા માટે નવી દિશામાં પગલું ભર્યું છે. ઊર્જા વિભાગે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા હેઠળ રાજ્યની તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ લાગુ કરવાની ફરજ પાડવામાં આવી છે. સરકારનું કહેવું છે કે સેન્સર આધારિત ટેકનોલોજી અને સૌર ઊર્જાના ઉપયોગથી વીજળીનો બગાડ ઘટાડીને ઊર્જા કાર્યક્ષમતા વધારવી એ મુખ્ય હેતુ છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં રસ્તાઓ પર લાગેલી લાઇટોના વીજ વપરાશમાં સતત વધારો થયો છે. ઘણા વિસ્તારોમાં ટાઇમર યોગ્ય રીતે સેટ ન હોવાને કારણે દિવસ દરમિયાન લાઇટો ચાલુ રહે છે, અથવા ટ્રાફિક ઓછું હોવા છતાં તેજ પ્રકાશ ચાલુ રહે છે. જેના પરિણામે અનાવશ્યક વીજળી વપરાય છે અને સંસ્થાઓ પર આર્થિક ભાર વધે છે. આ સ્થિતિ સુધારવા માટે ઊર્જા વિભાગે હવે નવી માર્ગદર્શિકા અમલમાં લાવવાનો નિર્ણય કર્યો છે.

નવી નીતિ મુજબ તમામ સ્થાનિક સંસ્થાઓએ પોતાના વિસ્તારમાં “સ્ટ્રીટ લાઇટ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન” તૈયાર કરીને ડિસેમ્બર 2025 સુધી રાજ્ય સરકારને રજૂ કરવો ફરજિયાત રહેશે. આ પ્લાનની અસરકારકતા તપાસવા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા થર્ડ પાર્ટી એનર્જી ઓડિટ હાથ ધરાશે.

માર્ગદર્શિકા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય પ્રમાણે માસિક ધોરણે લાઇટ ટાઇમર સેટિંગમાં ફેરફાર કરવો પડશે. સાથે જ લાઇટ સેન્સર આધારિત ઓટોમેશન સિસ્ટમ સ્થાપિત કરવાની રહેશે, જેથી કુદરતી પ્રકાશ પૂરતો ન હોય ત્યારે જ લાઇટ ચાલુ થાય. આ ઓટોમેટિક સિસ્ટમ આસપાસના પ્રકાશના સ્તર પ્રમાણે લાઇટના સ્વિચિંગને નિયંત્રિત કરશે, જેથી અનાવશ્યક વીજળી વપરાશ રોકી શકાય.

સ્માર્ટ લાઇટિંગ અંતર્ગત રાત્રિના 12 થી 4 વાગ્યા વચ્ચે ડિમ લાઇટિંગ ચાલુ રાખવાની રહેશે અને અવરજવર વધે ત્યારે મોશન સેન્સર દ્વારા લાઇટની તીવ્રતા વધારવાની વ્યવસ્થા ફરજિયાત થશે. ઊર્જા વિભાગના અંદાજ મુજબ આ નવી વ્યવસ્થાથી વીજળીનો વપરાશ આશરે 30 થી 40 ટકા સુધી ઘટી શકે છે.

હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં હજી પણ સોડિયમ વેપર અને હેલોજન લાઇટો વપરાય છે. હવે તેમની જગ્યાએ ઊર્જા બચતકારી એલઇડી લાઇટ લગાડવી ફરજિયાત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારો અને હાઇવે માર્ગો પર નવી લાઇટ સ્થાપિત કરતી વખતે સૌર ઊર્જા આધારિત એલઇડી સિસ્ટમને પ્રાથમિકતા આપવામાં આવશે.

મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને હવે લાઇટિંગ પર દેખરેખ રાખવા માટે સેન્ટ્રલાઇઝ્ડ રિમોટ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવી પડશે, જેથી લાઇટોની સ્થિતિ પર સીધી નજર રાખી શકાય. સમગ્ર પ્રક્રિયાનું સંકલન અને દેખરેખ ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી, ગાંધીનગર દ્વારા કરવામાં આવશે.

રાજ્ય સરકારની આ પહેલથી સ્માર્ટ ટેકનોલોજી દ્વારા ઊર્જા બચત, ખર્ચમાં ઘટાડો અને કાર્યક્ષમતા વધારવાની દિશામાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની અપેક્ષા છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now