રાજ્યમાં કમોસમી વરસાદથી સર્જાયેલી વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં જે ખેડૂતોને કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે, તે માટે સરકાર દ્વારા 10000 કરોડ રૂપિયાનું રાહત પકેજ જાહેર કર્યું છે. આની CM પટેલ દ્વારા એક્સ પર ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી. જેને લઈને પરેશ ધાનાણીએ ગુજરાતના ખેડૂતોના નુકસાનનો હિસાબ ગણાવતા સરકાર પર પ્રહાર કરાયા છે.
પરેશ ધાનાણીએ CM પટેલના ટ્વિટને રીટ્વિટ કરાતા લખ્યું, "હાલ લગભગ દરેક કૃષી જણસો માટે વિધા દીઠ ઓછામાં ઓછો સરેરાશ રૂ. 15,000/- (રૂ. 93750/ હેક્ટર) જેટલો ખેતી ઉત્પાદનનો માત્ર ખર્ચ જ ગણીએ, તો પણ અંદાજીત કુલ રૂ. 41,250 કરોડ જેટલો ખેડૂતો ઉપર જંગી દેવાનો બોજ ખડકાઈ ગયેલ છે, હાલ કૃષી પાક ઉત્પાદનના પ્રાથમીક અંદાજો અનુસાર વિધા દીઠ માત્ર જ રૂ. 10,000/- (રૂ. 62,500/હેક્ટર) જેટલી ઓછામા ઓછી ખેતીની જીવન નિર્વાહન ઉપજ ગણીએ, તો પણ અંદાજીત કુલ રૂ. 27,500 કરોડ જેટલી કૃષી ઉપજ ડુબી ગયેલ છે."
પરેશ ધાનાણીએ વધુમાં લખ્યું, "આમ ગુજરાતના 16000 કરતા વધારે ગામોમાં અંદાજીત 44 લાખ હેક્ટર કરતા વધુ વાવેતર વિસ્તારમા કમોસમી માવઠાના કારણે તમામ પાકો સંપૂર્ણ નાશ પામવાથી અંદાજીત કુલ રૂ. 68750/- કરોડ જેટલુ જંગી નુકસાન ગયુ હોવા છતાંય, સરકારે જાહેર કરેલ રાહત પેકેજ નહીવત અને ખેડુતોની જાણે મશ્કરી સમાન લાગે છે."




















