ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં સરેરાશ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સવાર-સાંજ ઠંડી ચમકારાનો અહેસાસ થવા લાગ્યો છે.
'વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે'
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજથી લઈને 12 નવેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે. આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું
કચ્છના નલિયામાં સૌથી ઓછું તાપમાન 15.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે હાલ રાજ્યમાં સૌથી ન્યૂનતમ ગણાય છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની દિશા ઉત્તરથી દક્ષિણ તરફ રહેવાની સંભાવના છે. રાજધાની અમદાવાદમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. અહીં મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ 21 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. હવામાનમા આ બદલાવને કારણે લોકોમાં ઠંડીની શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો છે અને વહેલી સવાર તેમજ રાત્રિના સમયમાં હળવી શિયાળાની ઠંડક અનુભવાઈ રહી છે.




















