રાજ્યમાં કમોસમી વરસાદથી સર્જાયેલી વિપરીત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત કરી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ પેકેજ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે સંવેદનાથી ખેડૂતોના હિતમાં ₹10 હજાર કરોડનું વિશાળ સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક દિવસોમાં તબક્કાવાર બેઠકો યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી, જેમાં આજે(7 નવેમ્બરે) તેમના બંગલે હાઈ પાવર બેઠક પણ યોજાઈ હતી.
વાઘાણીએ જણાવ્યું કે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સરકારે હજારો ટીમો બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકશાનના પંચકામ માટે 5100 જેટલી ટીમોને તાત્કાલિક કાર્યરત કરી છે. રાજ્યના આશરે 16,500 ગામોમાં કુલ 44 લાખ હેક્ટર વિસ્તારમાં પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ખેડૂતોને ઝડપી સહાય મળી રહે તે માટે તમામ ઠરાવો હાઈ લેવલ બેઠકમાં તરત મંજૂર કરવા સૂચના આપવામાં આવી છે.
સરકારએ પિયત અને બિન-પિયત જમીનનો ભેદ બાજુએ મૂકી પ્રતિ હેક્ટર ₹22 હજારની સહાય ચુકવવાનો નિર્ણય કર્યો છે, જેમાં 2 હેક્ટર સુધીના વિસ્તાર માટે સહાય આપવામાં આવશે. કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી બાકાત નહીં રહે, એમ પણ મંત્રીએ સ્પષ્ટ કર્યું. ખેડૂતો અરજી કરશે અને જો તેમની જમીન પર વરસાદથી નુકસાન થયું હશે, તો તેમને પણ આ સહાય મળશે.
રાજ્ય સરકારે બાગાયતી તેમજ અન્ય તમામ પાકોને સહાય હેઠળ આવરી લીધા છે. જીતુ વાઘાણીએ જણાવ્યું કે, “સરકારે 100 ટકા નુકસાન ગણાવીને આ ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે.” ઉપરાંત સરકારે 15 હજાર કરોડ રૂપિયાની જણસી ખરીદી કરવાની પણ જાહેરાત કરી છે, જેમાં મગફળી, અડદ, મગ અને સોયાબીન જેવા પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.




















