મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીથી એકતા નગર સુધી યોજનારી જનજાતિય ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે યોજાઇ રહેલી જનજાતિય ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા સ્પષ્ટ પણે જણાવ્યું કે, જેને કોઈ ન પૂછે તેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ પૂજે છે. તેમણે કહ્યું કે, આઝાદીની લડતમાં ભગવાન બિરસા મુંડાના નેતૃત્વમાં અગ્રેસર રહેલા આદિવાસીઓને વડાપ્રધાનશ્રીએ અમૃતકાળના ભારતની આ વિકાસયાત્રામાં ભાગીદાર બનાવ્યા છે. એટલું જ નહીં, સ્વાતંત્ર્ય વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા પણ તેમણે 2011થી ઊભી કરી છે.
‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા.1 થી 15મી નવેમ્બર, 2025 દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તા.7 થી 13 નવેમ્બર સુધી રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ રથ યાત્રા કરશે જેમાં રૂટ નં-1 ઉમરગામથી એકતાનગર સુધી 665 કિમી અને અંબાજીથી એકતાનગર સુધી 713 કિમી એમ કુલ 1,378 કિ.મી.માં આદિજાતિ વિસ્તારને આવરી લેતી ‘જનજાતિય ગૌરવ રથ યાત્રા’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામોમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય માહિતી પણ લોકોને અપાશે.
જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી
યાત્રાના માધ્યમથી આરોગ્ય તપાસ કેમ્પ, સેવાસેતુ, સામૂહિક સ્વચ્છતા સફાઈ સહિતના અનેક સેવાલક્ષી કાર્યક્રમો જનભાગીદારીથી યાત્રાના રૂટ પરના ગામોમાં યોજાશે. બાળકો, યુવાઓ અને સમગ્ર સમાજ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનથી પરિચિત થાય તેવા કાર્યક્રમો પણ આ યાત્રા દરમિયાન થવાના છે. આ ઉપરાંત, ભગવાન બિરસા મુંડાનાં રાષ્ટ્રનિર્માણ માટેના યોગદાન અંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા, નાટક-ભવાઈ તથા તેમના જીવન પરના વ્યાખ્યાનો, ફિલ્મ નિદર્શન પણ રાજ્ય સરકારના વિભાગો દ્વારા યોજાવાના છે. 14 આદિજાતિ સિવાયના 20 જિલ્લાઓમાં પણ 13 થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમ થવાના છે.
21 મોબાઇલ ટાવર્સ અને ફોર-જી સેવાઓ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજીધામથી આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતાં એમ પણ કહ્યુ કે, વડાપ્રધાનએ તેમના કાર્યકાળમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા અનેકો કલ્યાણ કાર્યક્રમો સાકાર કર્યા છે. તેમણે ગુજરાતમાં આદિજાતિઓના સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે શરૂ કરાવેલી વનબંધુ કલ્યાણ યોજના રાજ્ય સરકારે 1 લાખ કરોડના પ્રાવધાન સાથે 2025 સુધી લંબાવી છે તેમ પણ મુખ્યમંત્રી ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ પી.એમ. જનમન અભિયાનમાં રાજ્યના આદિમ જૂથોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો, આદિમ જૂથ વસાહતોમાં મોબાઇલ નેટવર્ક ઉપલબ્ધ કરાવવા 21 મોબાઇલ ટાવર્સ અને ફોર-જી સેવાઓ મળી છે તેની પણ ભૂમિકા આપી હતી.




















