સુરત રેન્જની મહિલા ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકીને ગોળી વાગ્યાનો ગંભીર બનાવ મામલે નવો ખુલાસો થયો છે. સોનલબેનના માથામાં 7.2 મિ.મી.ની ગોળી ફસાયેલી મળી છે, જે આશરે 5 કલાક સુધી માથામાં જ રહી હતી, બાદમાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના CCTV સામે આવ્યા
ઘટના પહેલાંના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સોનલ સોલંકી પોતાની કાર લઈને ઘરેથી નીકળતી અને ગામમાં બે વાર રાઉન્ડ મારતી જોવા મળે છે. ખાસ વાત એ છે કે તેમનો ચાર વર્ષનો દીકરો પણ કારમાં હાજર હતો, એટલે કે આ સમગ્ર ઘટનાનો એકમાત્ર સાક્ષી તેમનો નાનકડો પુત્ર છે.
પતિ નિકુંજ ગોસ્વામી શંકાનમા ઘેરામાં
આ કેસમાં મુખ્ય શંકાસ્પદ તરીકે સોનલબેનના પતિ અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામીનું નામ સામે આવ્યું છે. પોલીસ સૂત્રો અનુસાર દંપતી વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. હાલ નિકુંજ ગોસ્વામીનો મોબાઇલ બંધ છે અને તે ફરાર છે. પોલીસે નિકુંજનો ફોન ટ્રેસ કરતાં તેનું લોકેશન પાલ ખાતે આવેલા ઘરે મળ્યું હતું. પોલીસે જ્યારે ત્યાં દરોડો પાડ્યો ત્યારે તેના માતા-પિતા હાજર હતા, પરંતુ નિકુંજ પોતે ત્યાંથી ગાયબ હતો.
SP રાજેશ ગઢીયાનું નિવેદન
પોલીસ સુપરિન્ટેન્ડન્ટ રાજેશ ગઢીયાએ જણાવ્યું કે, “પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત જેવી લાગી હતી, પરંતુ હોસ્પિટલમાં તપાસ દરમિયાન માથાના ભાગે બુલેટ વાગી હોવાનો ખુલાસો થતાં હવે કેસને ગંભીર રીતે તપાસવામાં આવી રહ્યો છે'' પોલીસ મુજબ નિકુંજ ગોસ્વામી પાસે લાઇસન્સવાળી રિવોલ્વર છે, જોકે તે હથિયાર હાલ મહેસાણામાં જમા છે. તપાસ ટીમ હવે નિકુંજ પાસે અન્ય કોઈ હથિયાર હતું કે નહીં, તેમજ ગોળી વાગવાની પરિસ્થિતિ કેવી રીતે સર્જાઈ તે અંગે તમામ દિશામાં તપાસ કરી રહી છે. આ બનાવે સુરત તેમજ રાજ્યના વનવિભાગ અને પોલીસ તંત્રમાં ભારે હલચલ મચાવી છે. પોલીસ હાલ ફરાર નિકુંજ ગોસ્વામીની શોધખોળમાં તજવીજ કરી રહી છે, જ્યારે સોનલબેનની તબિયતને ધ્યાનમાં રાખીને તબીબી ટીમો સતત દેખરેખ રાખી રહી છે.




















