7 ઓક્ટોબરે મુખ્યમંત્રીએ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી, જેને લઈને વિપક્ષ અને ભારતીય કિસાન ભારતીય કિશાન સંઘ સહિત ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો કર્યો છે, ચૈતર વસવા એ કહ્યું, 'મને ડરાવી ધમકાવીને ભાજપમાં લઈ જવા માટે ઘણા ભાજપના નેતાઓ પ્રયત્ન કરી રહ્યા છે.'
તેમણે ઉમેર્યું, આદિવાસીનો દીકરો છું. ક્યારેય પણ ભાજપમાં જઈશ નહીં, ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારે અનેકવાર મને જેલમાં મોકલ્યો, પરંતુ હું જેલથી ડરતો નથી. ભાજપનો ટાર્ગેટ છે કે ચૈતર વસાવાને 15 નવેમ્બરે ભાજપમાં જોડવામાં આવે, પરંતુ તેમનું આ ષડયંત્ર કામયાબ થશે નહીં.
ચૈતર વસાવાએ વધુમાં કહ્યું, આવનારા સમયમાં અમે 1 લાખ ભાજપના કાર્યકર્તાઓને AAPમાં જોડીશું. આવનારા સમયમાં વધુમાં વધુ સરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો AAPમાં જોડાશે. ચૈતર વસાવાની વૈચારિક લડતને દબાવવા માટે PM મોદી ડેડીયાપાડા આવી રહ્યા છે. 35 વર્ષથી સાંસદ રહેલા મનસુખ વસાવાના ગામમાં ભાજપ સરકારે રસ્તા નથી બનાવ્યા તો એવી પાર્ટીમાં અમે શું કરવા જોડાઈએ?
AAP નેતાએ ઉમેર્યું, લોકોને ગેરમાર્ગે દોરીને અને મતદાર યાદીમાં ચીટીંગ કરીને 86,000 મતથી મનસુખ વસાવા 2024ની લોકસભા ચૂંટણી જીત્યા હતા. આવનારી તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામ વિસ્તારમાં ભાજપના સુપડા સાફ થશે. SIR ગરીબ લોકોને હેરાન કરવાની યોજના છે.
કવાંટ તાલુકાના આથાડુંગરી ખાતે AAP ગુજરાત જોડો જનસભામાં હજારોની જનમેદની ઉમટી પડી હતી. ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં અનેક સરપંચો પોતાના 8000થી વધારે કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ રાધિકા રાઠવા તથા જિલ્લા પ્રભારી વિનુ રાઠવાની ઉપસ્થિતિમાં ભાજપ કોંગ્રેસ અને BTPના 8000થી વધુ નેતાઓ-કાર્યકર્તાઓ AAPમાં જોડાયા હતા. ભાજપના નેતા અને આથાડુંગરીના પૂર્વ સરપંચ તરણસિંહ રાઠવા તમામ પંચાયતના સભ્યો અને 5000 કાર્યકરો સાથે AAPમાં જોડાયા. બીટીપીના નેતા પુનિયા રાઠવા 2000થી વધારે કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા. કોંગ્રેસના પણ અનેક આગેવાનો મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા એમ ચૈતર વસાવાએ કહ્યું.
આ સાથે ચૈતર વસાવાએ માગ કરતાં વધુમાં ઉમેર્યું, આદિવાસી વિસ્તારોમાં ભાજપ સરકાર બાળકોને શિક્ષણ આપે, અમને પાણીની અને રોડ રસ્તાની વ્યવસ્થા આપવામાં આવે, ભાજપના નેતાઓ કાર્યક્રમોમાં વ્યસ્ત છે પરંતુ રોજગારીની વાત કોઈ કરતું નથી. મોટા મોટા કાર્યક્રમો કરીને ભાજપ સરકાર લોકોને ગેરમાર્ગે દોરે છે. સરકારનું ₹10,000 કરોડનું પેકેજ ફક્ત એક લોલીપોપ છે. સરકાર ખેડૂતોના દેવા માફ કરે, પાક વીમા યોજના શરૂ કરે. પંજાબની સરકારની જેમ ખેડૂતોને હેકટરે ₹50,000નું વળતર ચૂકવવામાં આવે.




















