ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે. પરંતુ આ પેકેજને લઈને હવે ખેડૂતો અને તેમના સંગઠનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિશાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “સરકારએ દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતના ભાગે ખરેખર શું આવ્યું તે પ્રશ્ન છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, ખેડૂતોને વીઘા દીઠ માત્ર 18 હજાર જેટલા રૂપિયા મળવાના છે, જ્યારે ખરેખર જેટલો ખર્ચ ખેડૂતોનો થયો છે, તેને પૂરતો વળતર મળતું નથી. 18 થી 30 હજાર રૂપિયા સુધીનો પર વિઘે ખર્ચ આવે છે. ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે. આર.કે. પટેલે ઉમેર્યું કે, “જેને સાચું નુકશાન થયું છે તેને સહાયના નામે ખૂબ ઓછી રકમ મળી રહી છે. સરકારને એવા ખેડૂતોની વ્હારે આવવું જોઈએ જેમનું પાક સંપૂર્ણ રીતે બરબાદ થયું છે.”
તેમણે આગળ જણાવ્યું કે, ખેડૂતોને જે રકમ ફાળવવામાં આવી છે તે ઘાસચારો પણ ન મળે એટલી ઓછી છે. ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના કારણે કિશાન સંઘ તેમની સાથે છે અને જો જરૂરી હોય તો આ મુદ્દે આગામી સમયમાં આંદોલન પણ કરી શકે છે. તેમણે અંતમાં જણાવ્યું કે, આ પેકેજ ખૂબ જ નાનું છે અને સરકારએ આ અંગે પુનઃવિચાર કરી ખેડૂતોને હકનું પૂરું વળતર આપવું જોઈએ.




















