રાજ્ય સરકારે પંચાયતી રાજ પ્રણાલીને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. હવે ગ્રામપંચાયતથી લઈને તાલુકા અને જિલ્લા પંચાયતો સુધીના ચૂંટાયેલા હોદ્દેદારો પર ભ્રષ્ટાચારના આરોપ સિદ્ધ થશે તો સીધી કાર્યવાહી થશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા રાજપત્ર મુજબ, જિલ્લાની પંચાયતોના પ્રમુખ, તાલુકા પંચાયતોના પ્રમુખ તેમજ ગ્રામપંચાયતોના સરપંચ સામે ભ્રષ્ટાચારનો આરોપ પુરાવો સાથે સિદ્ધ થશે તો જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમને તાત્કાલિક ઘરભેગા કરી શકશે.
રાજ્ય સરકારે અધિકારીઓને વિશેષ સત્તા આપતાં જણાવ્યું છે કે હવે માત્ર લખિત અરજી જ નહીં, પણ મૌખિક બાતમીના આધારે પણ ભ્રષ્ટાચારની તપાસ શરૂ કરી શકાશે. આથી ભ્રષ્ટાચારની ફરિયાદ આવતા જ તપાસ અટકશે નહીં, પણ અધિકારી સીધી કાર્યવાહી કરી શકશે.




















