રાજ્યમાં વધુ એક સામૂહિક આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં ગઈ કાલે ત્રણ પેટ્રોલ પંપના માલિકે પોતાની 2 દીકરીઓ સાથે કેનાલમાં જીવન ટૂંકાવ્યાનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીનગર જિલ્લાના બોરિસણા ગામના ધીરજ રબારી એ 7 નવેમ્બરે સવારે પોતાની બે દીકરીઓનું આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. તેઓ મોડી સાંજ સુધી ઘરે પાછા ન ફરતા પરિજનોએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજ રબારી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.
ત્યારે આજે સવારે બંને દીકરીઓની લાશ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારની મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. હાલમાં સાંતેજ પોલીસે બંને બાળકીઓની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક વિગતો મુજબ ધીરજ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે. જેઓને કલોલના વડસર ઉપરાંત અન્ય બે સ્થળોએ પેટ્રોલ પંપ પણ હોવાનું સામે આવ્યું છે.




















