સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપમાનિત કરવા, ધમકાવવા અને ખંડણી માગવાના આરોપો વચ્ચે ચર્ચામાં રહેલી કીર્તિ પટેલ પર હવે પોલીસએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કાપોદ્રા પોલીસએ તેના વિરુદ્ધ Prevention of Anti-Social Activities Act (PASA) હેઠળ કાર્યવાહી કરી તેને વડોદરા મધ્યસ્થ જેલમાં ખસેડી છે. પોલીસના જણાવ્યા મુજબ, કીર્તિ પટેલના સતત ગુનાહિત વર્તન અને તેની પ્રવૃત્તિઓથી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ સર્જાતો હોવાથી આ પગલું લેવામાં આવ્યું છે.
પાસા હેઠળ કાર્યવાહી કેમ જરૂરી?
સુરત પોલીસ છેલ્લા કેટલાક સમયથી એવા લોકોને ટાર્ગેટ કરી રહી છે, જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ ધમકી, ખંડણી અને લોકોની છબી ખરાબ કરવા માટે કરે છે. કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના નેતૃત્વ હેઠળ એવી વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી હતી, જેઓ વારંવાર ગુના કરીને પણ સુધરવા તૈયાર નથી.
આ યાદીમાં કીર્તિ રણછોડભાઈ પટેલનું નામ સૌથી ઉપર હતું. તાજેતરમાં કીર્તિ પટેલ બળજબરીથી પૈસા પડાવવાના કેસમાં ઝડપાઈ હતી. પરંતુ પોલીસની તપાસમાં સામે આવ્યું કે તે પહેલાં પણ અનેક સમાન પ્રકારના ગુનાઓમાં સામેલ રહી ચૂકી છે. પોલીસએ માન્યું કે કીર્તિ પટેલના કારણે જાહેર શાંતિને ગંભીર જોખમ છે.
પાસા એક્ટનો હેતુ શું છે
પાસા કાયદો એવા લોકો માટે બનાવાયો છે, જે ગુનો કર્યા પછી જામીન પર છૂટીને ફરી એ જ પ્રવૃત્તિઓ શરૂ કરે છે. આવા ગુનેગારો સામે સામાન્ય કાયદાકીય પ્રક્રિયા અસરકારક સાબિત થતી નથી. તેથી પોલીસ આવા લોકોને સમાજથી દૂર રાખવા માટે પાસા હેઠળ અટકાયતી કાર્યવાહી કરે છે, જેથી તેમની પ્રવૃત્તિઓને રોકી શકાય.
કીર્તિ પટેલની રીત અને વ્યવહાર
કીર્તિ પટેલની ગુનાહિત રીત સામાન્ય ગુનેગારો કરતાં અલગ હતી. તે સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ કરીને અથવા વિડિયો બનાવીને લોકોને બદનામ કરતી અને પછી સમાધાનના બહાને પૈસા પડાવતી. આ પ્રવૃત્તિ માત્ર સુરત સુધી મર્યાદિત નહોતી, પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ તેણે સમાન રીતથી લોકો સાથે ધમકી અને ખંડણીના કેસો કર્યા હતા.
કીર્તિ પટેલનો ગુનાહિત ઇતિહાસ
કાપોદ્રા પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરતી વખતે કીર્તિ પટેલના તમામ જુના કેસોનો ઉલ્લેખ કર્યો હતો. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમાં ખંડણી, ધમકી, હિંસા અને હત્યાના પ્રયાસ જેવા આરોપો સામેલ છે. પોલીસએ સ્પષ્ટ કર્યું કે આ તમામ કિસ્સાઓ બતાવે છે કે કીર્તિ પટેલ સુધરવાની જગ્યાએ વધુ આક્રમક બની ગઈ છે.
સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ હાજરી
કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતી વ્યક્તિ છે. અગાઉ તે 93 દિવસ સુધી સુરત જેલમાં રહી ચૂકી છે. ત્યારબાદ જ્યારે તે જામીન પર છૂટીને બહાર આવી હતી, ત્યારે તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક રીલ પોસ્ટ કરી હતી, જેના કારણે ફરી વિવાદ ઊભો થયો હતો. આ પછી પણ તેણે પોતાના ફોલોઅર્સ સાથે સંકળાઈ રહીને અનેક વિવાદિત પોસ્ટ્સ કરેલી.
બે કરોડની ખંડણીનો કેસ
તાજેતરમાં કીર્તિ પટેલ વિરુદ્ધ બે કરોડ રૂપિયાની ખંડણી માગવાનો કેસ નોંધાયો હતો. પોલીસે તેની ધરપકડ કર્યા બાદ અનેક પીડિતો આગળ આવ્યા છે. કેટલાક લોકોએ સીધા પોલીસ કમિશનર અને કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને ન્યાયની માંગ કરી છે. આ સમગ્ર મામલાએ સુરત શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.
વારંવાર ધરપકડ છતાં કોઈ સુધારો નહીં
કીર્તિ પટેલની ધરપકડ 17 જૂન 2025ના રોજ ખંડણી કેસમાં કરવામાં આવી હતી. તે પહેલાં પણ તે બે વખત જેલ જઈ ચૂકી છે, પરંતુ દરેક વખત જામીન પર છૂટ્યા બાદ ફરી એ જ પ્રકારના ગુના આચરતી રહી છે. હાલમાં તેના વિરુદ્ધ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લાં એક મહિનામાં કીર્તિ પટેલે બે અલગ કેસોમાં જામીન માટે અરજી કરી હતી, પરંતુ બંને વખતે કોર્ટએ અરજી નામંજૂર કરી દીધી છે.




















