સુરતના સારોલી વિસ્તારમાં આવેલ કુબેરજી ટેક્સટાઈલ વર્લ્ડ માર્કેટમાં આજે દસમા માળે અચાનક આગ લાગી હતી. માહિતી મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગની જાણ થતાં જ શહેરના જુદા જુદા છ ફાયર સ્ટેશનોમાંથી તાત્કાલિક 13 જેટલી ફાયર ફાઈટિંગ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખા માળને ઘેરી લીધો હતો, જેના કારણે માર્કેટમાં વેપારીઓ અને કર્મચારીઓમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, આગના કારણે કાપડની દુકાનોમાં રાખેલા લાખો રૂપિયાના માલનો જથ્થો બળી ખાખ થઈ ગયો હતો. ઘટનાને પગલે વેપારીઓમાં ભારે નુકસાનની ચિંતાનો માહોલ છે.
હાલ ફાયર વિભાગ દ્વારા ઘટનાનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું છે.




















