સુરતના બોરડોલી તાલુકાના કડોદ ગામમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. નેપાળના પહાડોમાં કડોદના રહેવાશી જિગ્નેશભાઈ પટેલ અને તેમની 14 વર્ષની પુત્રી પ્રિયાંશી ટ્રેકિંગ કરવા માટે ગયા હતા, પરંતુ હવે તેમનો કોઈ પત્તો મળતો નથી.
માહિતી મુજબ, પ્રિયાંશી અને જીગ્નેશભાઈ દિવાળી વેકેશનમાં 14 ઓક્ટોબરે ટ્રેનમાં કડોદથી નેપાળ જવા નીકળ્યા હતા. તેઓ 31 ઓક્ટોબરે પરત ફરીશું, પરિવારને એમ કહીને નીકળ્યા હતા. પરંતુ આજદિન(9 નવેમ્બર) સુધી પરત ફર્યા નથી.
21 ઓક્ટોબરે થયો હતો છેલ્લો સંપર્ક
જાગૃતિબેને પોતાના પતિ જીગ્નેશભાઈ સાથે છેલ્લી વાર 21 ઓક્ટોબરે વાત કરી હતી. ત્યાર બાદ તેમનો ફોન બંધ આવવા લાગ્યો અને કોઈ પ્રકારનો સંદેશો કે માહિતી મળી નથી. 21 ઓક્ટોબર પછી પરિવાર વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરતો રહ્યો, પરંતુ સફળતા મળી નથી.
હિમવર્ષા વચ્ચે તૂટ્યો સંપર્ક
સૂત્રોના જણાવ્યા અનુસાર, જીગ્નેશભાઈ અને પ્રિયાંશી બંને નેપાળના પહાડી વિસ્તારમાં ટ્રેકિંગ માટે ગયા હતા, જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે હિમવર્ષા થઈ રહી છે. શક્યતા છે કે ખરાબ હવામાનને કારણે તેઓ ફસાયા હોય અથવા તેમની સાથે કોઈ દુર્ઘટના બની હોય.
હોટલમાં તપાસ બાદ ખુલાસો
પરિવારે નેપાળની હોટલ સાથે સંપર્ક કર્યો, જ્યાંથી જાણ મળી કે પિતા-પુત્રી પરત ફર્યા નથી. આ માહિતી મળતાં જ પરિવારજનોએ સ્થાનિક પોલીસ તેમજ સરકારને મદદની વિનંતી કરી છે.
પત્નીની સરકારને વિનંતી
જાગૃતિબેને સરકારને અપીલ કરી છે કે “મારા પતિ અને દીકરીને સુરક્ષિત શોધી કાઢવા માટે તાત્કાલિક પગલાં લેવાં જોઈએ. અમને માત્ર તેમની સલામતીની ચિંતા છે.”હાલ નેપાળ અને ભારતની અધિકારીઓ વચ્ચે સંપર્ક શરૂ કરવામાં આવ્યો છે, અને શોધખોળ માટે ટીમો તૈનાત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
સરકારી સ્તરે શોધખોળના પ્રયાસો
પતિ અને પુત્રી પરત નહીં ફરતાં ચિંતિત બનેલા પત્ની જાગૃતિબેને તાત્કાલિક સ્થાનિક કડોદ આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારે માંડવી ખાતે સાંસદ પ્રભુ વસાવાની ઓફિસે જઈ તમામ દસ્તાવેજો રજૂ કર્યા, અને ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી. ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, કડોદ ગામના યુવાન ધ્રુવીલ ગાંધી દ્વારા જાણ થતાં તેમણે તાત્કાલિક CMO અને PMO ખાતે આ સંદેશો મોકલ્યો છે. હાલમાં ભારતીય એમ્બેસી પણ નેપાળ પોલીસ અને જીગ્નેશભાઈના પરિવાર સાથે સતત સંપર્કમાં છે. નેપાળનું તંત્ર જીગ્નેશભાઈ અને પ્રિયાંશીને શોધવાની તજવીજ હાથ ધરી રહ્યું છે અને તેમના ફોટાઓ પણ ભારત સરકારને પૂરા પાડવામાં આવ્યા છે.




















