ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતે આજે તંત્ર દ્વારા ફરી એક વખત મેગા ડીમોલેશન અભિયાન હાથ ધરાયું હતું. આ કાર્યવાહી સર્વે નંબર 831 પૈકી 1 ની સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે કરવામાં આવી હતી. તંત્રે આ વિસ્તારમાં આવેલા 11 જેટલા રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો તેમજ એક ધાર્મિક દબાણને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ડીમોલેશન દરમિયાન કોઈ અણધાર્યા બનાવો ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જેમાં 1 DYSP, 2 PI, 4 PSI, 82 પોલીસકર્મીઓ, 10 TRB જવાન તેમજ LCB અને SOGની ટીમો પણ હાજર રહી હતી.
JCB મશીનો અને 10 ટ્રેક્ટર કામે લગાડી
કારરવાઈ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ, વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી તે જમીન પર થઈ રહી હતી, જે GSRTC ને વધારાની 5,000 ચોરસ મીટર જમીન તરીકે ફાળવવામાં આવી હતી, પરંતુ ત્યાં ગેરકાયદે બાંધકામો થયેલા હતા. તંત્રે આ ડીમોલેશન માટે 7 JCB મશીનો અને 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરી કામે લગાડી હતી. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી અને તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર થયેલા તમામ ગેરકાયદે દબાણો સામે આવી રીતે કડક કાર્યવાહી ચાલુ રહેશે.




















