ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ પ્રભાસપાટણ વિસ્તારમાં ડીમોલેશન અભિયાન દરમિયાન તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ અને તંત્રની ટીમ પર પથ્થરમારો કર્યો હતો.
ટીયર ગેસના સેલ છોડાયા
પથ્થરમારાની માહિતી મળતાં જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે હથિયારધારી પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું, અને જરૂર મુજબ લાઠીચાર્જ પણ કરવો પડ્યો. પથ્થરમારો વધુ ન ફેલાય તે માટે પોલીસએ ટીયર ગેસના 3 સેલ છોડ્યા હતા. આ કાર્યવાહી બાદ તોફાની ટોળા છૂટા પડી ગયા હતા અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ અંકુશમાં છે
પોલીસ ખડકલો ગોઠવાયો
એસ.પી. જાડેજાએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ અફવાઓમાં ન આવવું અને શાંતિ જાળવી રાખવી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તંત્રની કાર્યવાહી કાયદેસર છે અને જો કોઈ વ્યક્તિ તોફાન મચાવશે અથવા કાયદો હાથમાં લેશે, તો તેના સામે કઠોર પગલાં લેવામાં આવશે. હાલ સોમનાથ વિસ્તારમાં વધારાની પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી છે અને સ્થિતિ ઉપર પોલીસ તંત્ર ચુસ્ત નજર રાખી રહ્યું છે.




















