logo-img
New Technology Will Build Unbreakable Roads In Ahmedabad

અમદાવાદમાં નવી ટેક્નોલોજીનાં ઉપયોગથી ન તૂટે તેવા રોડ બનશે : પાયલોટ પ્રોજેક્ટ આ વિસ્તારમાં શરૂ કરાશે, AMCની નવી પહેલ

અમદાવાદમાં નવી ટેક્નોલોજીનાં ઉપયોગથી ન તૂટે તેવા રોડ બનશે
Published by: Offbeat Team
| Last Updated: Nov 10, 2025, 09:38 AM IST

અમદાવાદ શહેરમાં હવે રસ્તાઓ વધુ મજબૂત અને ટકાઉ બનવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રથમવાર નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ન તૂટે તેવો રોડ બનાવવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પીરાણા વિસ્તાર પાસે પ્રાયોગિક ધોરણે આ ટેક્નોલોજી આધારીત રસ્તો બનાવવામાં આવશે. આ રસ્તાના બેઝ લેયરમાં ખાસ પોલીઇથીલિન (Polyethylene)ની ચાર એમએમ જાડાઈની શીટ મુકવામાં આવશે. આ શીટને કારણે રોડ વધુ મજબૂત, ટકાઉ અને ધસી ન પડે તેવો તેમજ તૂટી ન જાય તેવો બનાવવામાં આવશે.

ખર્ચ અંદાજે 30 ટકા ઓછો થશે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે, સામાન્ય રીતે શહેરમાં ડામરનો રોડ બનાવતી વખતે ત્રણ લેયર કરવા પડે છે. પરંતુ આ નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવાથી એક લેયરમાં ઘટાડો કરીને માત્ર બે લેયર પૂરતા રહેશે, કારણ કે પોલીઇથીલિન શીટ રોડને પૂરતી મજબૂતી આપે છે. આ પદ્ધતિનો બીજો મોટો લાભ એ છે કે રોડ બનાવવાનો ખર્ચ અંદાજે 30 ટકા ઓછો થશે, જેનાથી નાગરિકોને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછી કિંમતમાં મળી શકશે.

શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં નવું ઈનોવેશન

AMCના અધિકારીઓ મુજબ આ પ્રોજેક્ટ સફળ જશે તો શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નવા મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ રસ્તાઓ બનાવવામાં આવશે. અમદાવાદ માટે આ પ્રયોગ શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ટેક્નોલોજીકલ ઈનોવેશનનું મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now