ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં લગભગ 11 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને વડોદરામાં સિઝનની પહેલીવાર સૌથી ઓછું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જેના કારણે વડોદરા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાકમાં વડોદરા, નલિયા, રાજકોટ અને મહુવા સહિતના શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી પણ ઓછું રહ્યું છે.
17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યો
રાજ્યના આશરે 17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જે આ સિઝનમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન ગણાય છે. આજે રાજકોટ રાજ્યનું સૌથી ઠંડુ શહેર તરીકે નોંધાયું છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, ઉત્તર તરફથી આવતા ઠંડા પવનોના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થવાની સંભાવના છે. પવનની દિશા હાલમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફ હોવાના કારણે ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બનશે.
ઠંડીનો ચમકારો
અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાશે એવી સંભાવના છે. અહીં મહત્તમ તાપમાન આશરે 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે નાગરિકોને ઠંડીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે, કારણ કે આગામી દિવસોમાં ઠંડીનો પારો વધુ નીચે જવાની સંભાવના છે.




















