આણંદ જિલ્લામાં તારાપુર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રવીણ વાઘેલાની દાદાગીરીનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. માહિતી મુજબ આ ઘટના હાઇવે ઉપર આવેલી એક હોટેલમાં બની હતી, જ્યાં પ્રવીણ વાઘેલા પોતાના સાગરીત સાથે નશાની હાલતમાં પહોંચી ગયા હતા.
વિદેશી નામ અને બબાલ...
હોટેલના મેન્યૂ બોર્ડમાં “અફઘાની પનીર” અને “લાહોરી પનીર” જેવા શાકના નામ લખાયેલા જોઈ, પ્રવીણ વાઘેલાએ તે વિદેશી નામોને લઈ વાંધો ઉઠાવ્યો અને હોટેલના મેનેજર સાથે ઉશ્કેરાટભરી ભાષામાં દાદાગીરીપૂર્વક વર્તન કર્યું હતપમ.
બેફામ વાણીવિલાસ અને અયોગ્ય વર્તન પર તીવ્ર નારાજગી
આ હંગામાની સમગ્ર ઘટના હોટેલમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ આ ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. સ્થાનિક લોકોએ પ્રવીણ વાઘેલાના બેફામ વાણીવિલાસ અને અયોગ્ય વર્તન પર તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ આ પ્રકારની હરકતોને પાર્ટીની શિસ્તને હાનિકારક ગણાવી નિંદા વ્યક્ત કરી છે. હાલ હોટેલ સંચાલકોમાં પણ આ ઘટનાને લઈને રોષ અને ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પોલીસ અથવા પક્ષ દ્વારા આ મુદ્દે કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે નહીં, તે અંગે હજી સત્તાવાર માહિતી મળી નથી.




















