અમદાવાદના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા પંડિત દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિતે વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં રાજ્યભરના 161 યુનિયનો અને મહાસંઘના હજારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મજદૂર સંઘના કાર્યકરો પોતાના પડતર પ્રશ્નો અને હકો માટે એકત્રિત થયા હતા. સંઘે જણાવ્યું કે તેમણે અનેક વખત સરકારને રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિર્ણાયક પગલું લેવામાં આવ્યું નથી, જેના કારણે આ મહાસંમેલન દ્વારા વિરોધ પ્રદર્શનનું સ્વરૂપ અપાયું છે.
12 જેટલી પડતર માંગણીઓ રજૂ કરવામાં
મહાસંમેલનમાં કાર્યકરો દ્વારા “હમ હમારા હક માંગતે, નહીં કિસીસે ભીખ માંગતે” જેવા નારા લગાવી મજૂરોના હકો માટે તીવ્ર ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સંઘના પ્રતિનિધિઓએ કામના કલાક 8થી વધારી 12 કલાક કરવાની સરકારની સંભાવિત નીતિ સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. મહાસંમેલનમાં કુલ 12 જેટલી પડતર માંગણીઓ રજૂ કરવામાં આવી છે. આ માંગણીઓ અંગે સંઘે જાહેરાત કરી કે મહાસંમેલન બાદ દરેક યુનિયનના 5-5 સભ્યો મુખ્યમંત્રી સહિત વિવિધ વિભાગોના મંત્રીઓને આવેદનપત્ર આપશે, જેથી મજૂરોના પ્રશ્નોને સરકાર ગંભીરતાથી લે.
ભારતીય મજદૂર સંઘનું રિવરફ્રન્ટ પર મહાસંમેલન
ભારતીય મજદૂર સંઘે સ્પષ્ટ કર્યું કે, મજૂરોને તેમના હકો માટે લડવું પડશે, કારણ કે કામના કલાકો વધારવા જેવી નીતિઓ મજૂરોના આરોગ્ય અને પરિવારજીવન પર નકારાત્મક અસર કરે છે. રિવરફ્રન્ટ પર યોજાયેલ આ મહાસંમેલન શાંતિપૂર્ણ પરંતુ દમદાર રીતે મજૂર શક્તિની એકતા અને સંકલ્પનું પ્રતીક બન્યું હતું.




















