Gandhinagar Crime News : ગાંધીનગર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ ઈશ્વરસિંહ ચાવડાએ પોતાના માણસા તાલુકાના હરણા હોડા ગામ સ્થિત નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.
રાત્રે પોતાના પિતા સાથે ભોજન લીધું હતું અને સવારે....
માહિતી મુજબ, નરેન્દ્રસિંહ ડીઆઇજી કચેરી ખાતે રીડર શાખામાં ફરજ બજાવતા હતા. તેઓ ગઈકાલે નિયમિત રીતે પોતાની ફરજ બજાવીને ઘરે પરત આવ્યા હતા અને રાત્રે પોતાના પિતા સાથે ભોજન લીધું હતું. પરંતુ સવારે પરિવારજનોને તેઓ પંખા સાથે લટકેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા.
પોલીસ દળમાં શોકની લાગણી
નરેન્દ્રસિંહના પરિવારમા તેમની પત્ની, બે દીકરીઓ અને દોઢ વર્ષનો એક દીકરો છે. હાલ તેમની પત્ની તથા બાળકો પિયર કોલવડા ગયા હોવાની માહિતી મળી છે. માણસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. PI પી જે ચૂડાસમાએ જણાવ્યું કે, હાલ આપઘાતનું કારણ અકબંધ છે અને તપાસ ચાલુ છે. આ બનાવથી સમગ્ર પોલીસ દળમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ત્રણ સંતાનોના પિતા અને એક પોલીસ કોન્સ્ટેબલે કઈ પરિસ્થિતિમાં એવુ પગલું ભર્યું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે




















