સુરતમાં એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં કિરણ હોસ્પિટલના હોમિયોપેથિક ડોક્ટર ભાવેશ રાહુલભાઈ કવાડે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ડોક્ટર ભાવેશે પોતાના ડાબા હાથે ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા હોટલનો દરવાજો ખોલતાં તેઓ મૃત હાલતમાં મળ્યા હતા. ઘટનાસ્થળેથી પોલીસને બે પાનાની નોટ મળી આવી હતી, જેમાં એક પેજ પર તેમણે પત્ની ધારાનું ચિત્ર બનાવી “I Love Dhara” લખ્યું હતું, જ્યારે બીજા પેજ પર માત્ર ‘ન્યાય’ શબ્દ લખેલો હતો.
બે વર્ષ અગાઉ લગ્ન થયા હતા
માહિતી મુજબ, ડોક્ટર ભાવેશ કવાડ (ઉંમર 33) સુરતના ડિંડોલી વિસ્તારના દેલાડવા મહા ખોડિયારનગર રેસિડેન્સીમાં રહેતા હતા. તેઓ મૂળ રાજુલાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશના લગ્નને બે વર્ષ જેટલો સમય થયો હતો, પરંતુ તેમની પત્ની ધારા છેલ્લા એક વર્ષથી અમદાવાદમાં એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે.
‘ન્યાય’ શબ્દ શું સૂચવે છે?
ડોક્ટર ભાવેશ કિરણ હોસ્પિટલમાં હોમિયોપેથિક ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં આ આપઘાત પાછળનું સાચું કારણ બહાર આવ્યું નથી. જોકે, નોટમાં લખાયેલો ‘ન્યાય’ શબ્દ શું સૂચવે છે, તે જાણવા માટે ગોડાદરા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી મળેલી નોટ જપ્ત કરી છે અને ડોક્ટર ભાવેશના પરિવારજનો તથા પત્ની ધારા સાથે પણ પૂછપરછ શરૂ કરી છે.




















