રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અરડોઈ ગામમાં પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃતક ખેડૂતની ઓળખ દિલીપભાઈ વિરડીયા તરીકે થઈ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકની લાગણી ફેલાવી દીધી છ. ત્યાકે ઘટનાને લઈ આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયા મૃતક ખેડૂતના ઘરે પહોંચ્યા હતા. તેમણે દિલીપભાઈ વિરડીયાના પરિવારને મળીને સાંત્વના પાઠવી અને તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે, “પાક નિષ્ફળ જતા અત્યાર સુધી ચાર ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે, જે અત્યંત ચિંતાજનક છે. સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખેડૂતો માટે પૂરતું નથી, આ તો માત્ર ખેડૂતો સાથેની એક ક્રૂર મજાક સમાન છે.”
'ખેતીને બચાવવા માટે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે'
તેમણે આગળ જણાવ્યું કે, 'છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોના પાક સતત નિષ્ફળ જઈ રહ્યા છે, સાથે જ બજારમાં યોગ્ય ભાવ મળતા ન હોવાથી ખેડૂતોના દેવા વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂત આર્થિક સંકડામણમાં ફસાઈ આત્મહત્યા જેવા પગલાં ભરવા મજબૂર થઈ રહ્યા છે. મનોજ સોરઠીયાએ સરકારને અપીલ કરી કે, “ખેતીને બચાવવા માટે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, અને પંજાબની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને વધારે સહાય આપવામાં આવે” તેમણે વધુમાં ઉમેર્યું કે, 'કડદા કાંડ જેવી ઘટનાઓમાં ખેડૂતોનું શોષણ બંધ કરવું જરૂરી છે'.
'ઓછા એક કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે'
સોરઠીયાએ સરકારને વિનંતી કરી કે આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારને ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે, જેથી પરિવારને આર્થિક રાહત મળી શકે. આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે 'ખેડૂતોની માંગણીઓને ઉઠાવવા માટે આવતા દિવસોમાં 7 વધુ કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવશે. મનોજ સોરઠીયાએ અંતે અપીલ કરી કે આર્થિક સંકડામણમાં કોઈપણ ખેડૂત ખોટું પગલું ન ભરે, અને તમામ પક્ષો મળીને ખેડૂતોની સમસ્યાનો સ્થાયી ઉકેલ લાવશે'




















