ગુજરાતની ધબકતી લોકકલાઓ, લોકજીવન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને 110થી વધુ પુસ્તકો દ્વારા આવનારી પેઢીઓ માટે અણમોલ વિરાસત બનાવનાર સુપ્રસિદ્ધ લેખક, સંશોધક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સ્વ. જોરાવરસિંહ જાદવની પ્રાર્થના સભા આજે અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહીને સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
2019માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
સ્વ. જોરાવરસિંહ જાદવ લેખક અને સંશોધક ઉપરાંત ગુજરાતની ધરતીને ધબકતી રાખનાર લોકકલાઓ અને લોકકલાકારોના જીવંત સંરક્ષક હતા. આકરું ગામથી શરૂ થયેલી તેમની લોકકલા સંવર્ધનની અનોખી સફર ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસનો એક આગવો અધ્યાય છે. સ્વ. જોરાવરસિંહ જાદવને વર્ષ 2019માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ સંગીત નાટક અકાદમીના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા હતા.
ગુજરાતી ફોક મ્યુઝિયમ "વિરાસત"નું સર્જન
આ ઉપરાંત, તેમણે ગુજરાતી ફોક મ્યુઝિયમ "વિરાસત"નું સર્જન કર્યું હતું, જેનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં લોકકલાકારો, સાહિત્યકારો, નગરજનો અને તેમના ચાહકોએ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.




















