logo-img
Saurashtras Longest Flyover Bridge Inaugurated

સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ : 3750 મી. લંબાઈ, 1200થી વધુ વાહનો માટે પાર્કિંગ, અનેક સવલતોનો પણ સમાવેશ

સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રીજનું લોકાર્પણ
Published by: Offbeat Team
| Last Updated: Nov 24, 2025, 06:52 AM IST

Jamnagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર ખાતે રૂ.226.99 કરોડના ખર્ચે નિર્મિત સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. સાત રસ્તા સર્કલથી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સુધીનો ફોરલેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 4 એપ્રોચ સહિત 3,750 મીટર છે. મુખ્ય બ્રિજ ફોર લેન 16.50 મીટરનો છે, જ્યારે ઇન્દિરા માર્ગ તથા દ્વારકા રોડ એપ્રોચ ટુ લેન 8.40 મીટરના છે.આ ફ્લાયઓવરના કારણે જામનગરના નાગરિકોને દ્વારકા, રિલાયન્સ, નયારા, જી.એસ.એફ.સી. તરફ તેમજ રાજકોટ રોડ તરફ સરળતાથી વાહનવ્યવહારની સુવિધા મળશે. આનાથી બ્રિજ નીચેના મુખ્ય ચાર જંકશન સાત રસ્તા સર્કલ, ગુરુદ્વારા જંકશન, નર્મદા સર્કલ તથા નાગનાથ જંકશન પર થતા ટ્રાફિક જામ અને અકસ્માત જેવા બનાવોમાંથી મોટી રાહત મળશે, પરિણામે ઇંધણ અને સમયની બચત થશે.

1,200 થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા

વધુમાં, સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ થઈ લાલ બંગલા સર્કલ સુધીનો નવો રૂટ મળવાથી નાગનાથ જંકશન, ત્રણ દરવાજા (ગ્રેઇન માર્કેટ), બેડી ગેટ જેવા વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે. આ વિકાસકાર્યની સાથે જ બ્રિજ નીચેના અન્ડરસ્પેસને પણ નાગરિક સુવિધા માટે વિકસાવવામાં આવ્યો છે, જેમાં કુલ 61 ગાળાઓમાં 1,200 થી વધુ વાહનોના પાર્કિંગની વ્યવસ્થા જેમાં 850 ટુ-વ્હીલર્સ, 250 ફોર-વ્હીલર્સ, 100 રીક્ષા, 100 અન્ય અને 26 બસ પાર્કિંગનો સમાવેશ થાય છે.

4 લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો

આ ઉપરાંત, કુલ 4 જગ્યાએ પે એન્ડ યુઝ ટોઇલેટ, 1 લોકેશન પર શ્રમિક સુવિધા કેન્દ્ર (લેબર ચોક), 10 ગાળામાં સ્પોર્ટ એક્ટિવિટી, 4 લોકેશન પર વેઇટિંગ/સીટિંગની વ્યવસ્થા અને 4 લોકેશન પર ફૂડ ઝોન જેવી સવલતો પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પિત કરાયેલો આ ફ્લાયઓવર જામનગરના નાગરિકોના જીવનમાં સરળતા અને સુગમતા લાવીને શહેરના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરસર, મહાનગરપાલિકાના પ્રભારી મંત્રી પલ્લવીબેન ઠક્કર, ધારાસભ્ય સર્વ મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જિલ્લા કલેકટર કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર ડી.એન.મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now