Winter in Gujarat: રાજ્યમાં સતત ઠંડી વધી રહી છે. ગુજરાતના તમામ મોટા શહેરોમાં 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે, એમ હવામાન વિભાગના આંકડા સૂચવે છે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસથી કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી અનુભાઈ રહી હતી. ત્યારે ફરી એક વાર નલિયા 10.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠડું શહેર બની ગયું છે.
અમદાવાદમાં 15.1 ડિગ્રી ત્યારે રાજકોટમાં 13.9 ડિગ્રી
હવામાન વિભાગના આંકડા પ્રમાણે ડીસામાં 14.3 ડિગ્રી, રાજકોટમાં 13.9 ડિગ્રી, અમદાવાદમાં 15.1 ડિગ્રી ઠંડક નોંધાઈ છે. પોરબંદરમાં 15.8 ડિગ્રી, ગાંધીનગરમાં 16.2 ડિગ્રી, ભુજમાં 16.4 ડિગ્રી, કંડલામાં 17 ડિગ્રી, ભાવનગરમાં 17.8 ડિગ્રી, વડોદરામાં 16.6 ડિગ્રી ત્યારે સુરતમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું
અમદાવાદમાં સહિત સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી રહ્યું છે, સાથે જ પૂર્વના તેજ પવન જમીનના નીચલા સ્તરે ફુંકાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં હજુ આગામી 24 કલાક સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદનું લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે જેથી રાતના સમયે ઠંડીનો ચમકારો અનુભવાશે.
ઠંડીના પ્રમાણમાં વધારો થશે
ઠંડીથી બચવા માટે વહેલી સવારે મોટી સંખ્યામાં લોકો ગાર્ડનમાં ચાલતા અને કસરત કરતા જોવા મળી રહ્યા હતા. જો કે આગામી સમયમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.




















