ગીર સોમનાથ જિલ્લામાં એક દુઃખદ અને હચમચાવી નાખે એવી ઘટના સામે આવી હતી. કોડીનાર તાલુકાના છારા ગામમાં સરકારી સ્કૂલમાં શિક્ષક અને સાથે BLO તરીકે ફરજ બજાવતા અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40 વર્ષ)એ પોતાના દેદાના દેવળી ગામે ઘરે આત્મહત્યા કરી હતી. ત્યારે હવે નવસારી, સુરત અને બનાસકાંઠામાં BLO કામગીરીને લઈને શિક્ષકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
નવસારી શિક્ષક સંઘનો વિરોધ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષક સંઘે મામલતદારને આવેદન આપીને વિરોધ નોંધાવ્યો છે કે સહાયક શિક્ષકોને પણ બી.એલ.ઓ.ની કામગીરીમાં જોડાતા શાળામાં બાળકોના અભ્યાસ પર સીધી અસર થઈ રહી છે, તેથી સહાયક શિક્ષકોને તરત શાળા કાર્ય માટે મુક્ત કરવાના નિર્ણયની માંગણી કરવામાં આવી છે, નહીંતર એક જ દિવસમાં કોઈ કાર્યવાહી ન થાય તો BLO કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
સુરતમાં ગંભીર આક્ષેપ
બીજી તરફ સુરતમાં BLO પર SIR પ્રક્રિયા દરમિયાન અધિકારીઓ હિટલરશાહી ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે, જેમાં લીંબાયત વિધાનસભાની 265 બુથમાંથી 216 BLO ને નોટિસ ફટકારાઈ છે અને કામ માટે સતત ટેલિફોનીક દબાણ તથા ધમકીઓ મળતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. સર્વર અને એપ વારંવાર ડાઉન થતા કામગીરીમાં વિલંબ થાય છે, છતાં દોષનો ટોપલો BLO પર મૂકવામાં આવે છે, જેના કારણે સરકારી શાળાના શિક્ષકોને બાળકોના અભ્યાસ સાથે BLO નો વધારાનો ભાર સહન કરવાનો વારો આવે છે. પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે જિલ્લા કલેક્ટર અને સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવા માંગ કરી છે.
બનાસકાંઠામાં પણ આપઘાત ઘટનાના પડઘા
આ વચ્ચે ગીર સોમનાથની આપઘાત ઘટનાના પડઘા બનાસકાંઠામાં પણ પડ્યા છે જ્યાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ સંજય દવેએ જણાવ્યું કે વહીવટી તંત્રનું અતિપ્રેશર હવે શિક્ષકો સહન નહીં કરે. BLO ને જૂની 2002ની યાદીમાં નામ ન મળવા, સર્વર સમસ્યા અને વધતા દબાણને કારણે માનસિક તણાવનો સામનો કરવો પડે છે. પાલનપુરમાં થોડા દિવસ પહેલા સો જેટલી મહિલા BLO એ કલેક્ટર કચેરીએ કામગીરી બંધ કરીને ધારણા કરી હતી. જો વહીવટી તંત્ર BLO ને પરેશાન કરવાનું ચાલુ રાખશે તો શિક્ષક સંઘ તેની સામે લડત આપવા તૈયાર છે, તેવી ચેતવણી પણ ઉચ્ચારાઈ છે.




















