Veraval Fake Bomb : વેરાવળના ભાલકા મંદિર પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં ગઈ રાતે હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી હતી. એક મકાનમાંથી ‘ટાઈમર બોમ્બ’ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. ભાડૂઆતને આ વસ્તુ જોઈ શંકા થતાં તેઓએ તરત જ પોલીસને જાણ કરી, ત્યારબાદ તંત્ર દોડતું થઈ ગયું હતું.
નકલી બૉમ્બ!
માહિતી મળતાં જ SOG, LCB, BDDS, તથા ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી. BDDS ટીમે સાવચેતીપૂર્વક તપાસ હાથ ધરી અને અંતે જાણવા મળ્યું કે આ બોમ્બ સદૃશ વસ્તુ સાચો બોમ્બ નહીં પરંતુ નકલી બોમ્બ હતો. આ માહિતી મળતાં સુરક્ષા એજન્સીઓએ રાહતનો નિશ્વાસ લીધો.
રમત રમતમાં બૉમ્બ બનાવ્યાનું પોલીસ સમક્ષ રટણ
પ્રાથમિક તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મકાન માલિક પ્રકાશ ચુડાસમા નામના યુવકે આશરે ચાર માસ અગાઉ યુટ્યુબના વીડિયો જોઈને રમતમાં નકલી બોમ્બ બનાવ્યો હતો. તેણે આ નકલી બોમ્બ મકાનના રૂમના બાથરૂમ ઉપરના મેળામાં એક થેલીમાં રાખી દીધો હતો. બાદમાં તે મકાન ભાડે આપ્યું હતું. ભાડે રહેતા રાજેશભાઈ વાજાની પત્નીને આ શંકાસ્પદ વસ્તુ અચાનક નજરે પડી હતી, જેના કારણે તેઓ ગભરાઈ ગયા અને તરત જ શોરમચાવતાં આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ.
માલિક પ્રકાશ ચુડાસમાને કસ્ટડીમાં લઈ આકરી પૂછપરછ
પોલીસે મકાન માલિક પ્રકાશ ચુડાસમાને કસ્ટડીમાં લઈ આકરી પૂછપરછ શરૂ કરી છે. યુવકે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેણે માત્ર જોશ-મસ્તીમાં નકલી બોમ્બ બનાવ્યો હતો, કોઈ નુકસાન પહોંચાડવાનો ઈરાદો ન હતો. મોડી રાત સુધી સુરક્ષા એજન્સીઓ સમગ્ર મકાન અને આસપાસના વિસ્તારમાં તપાસ ચાલુ રાખી હતી, જેથી કોઈ અન્ય શંકાસ્પદ વસ્તુ હોય તો તેનો પણ ખ્યાલ આવી શકે. હાલ પોલીસ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.




















