Panchmahal News : પંચમહાલમાં ગોધરા શહેરના ગંગોત્રીનગર વિસ્તારમાં આજે (21 નવેમ્બર) વહેલી સવારે હૃદય કંપાવી દેતી દુર્ઘટના ઘટી છે. અંકુર સોસાયટીની બાજુમાં, સેતુ ક્લબ નજીક આવેલા મકાનમાં આગ લાગતા જાણીતા વર્ધમાન જ્વેલર્સ સાથે સંકળાયેલા દોશી પરિવારના ચારેય સભ્યોના મોત નીપજ્યા છે.
પરિવારમાં ખુશી હતી પણ....
દોશી પરિવાર માટે આજે આનંદનો દિવસ હતો. પરિવારનો 24 વર્ષીય પુત્ર દેવ દોશીની સગાઈ માટે બધા હરખભેર વાપી જવાની તૈયારીમાં હતા. પરંતુ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું. રાત્રે પરિવાર ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં સુતો હતો ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા સોફામાં અચાનક આગ લાગી.
ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યોનું દુઃખદ મૃત્યુ થયું
આગમાંથી નીકળેલા ઘાટા અને ઝેરી ધુમાડાનો પ્રસાર એટલો ઝડપથી થયો કે ગાઢ નિદ્રામાં સૂતો પરિવાર જાગી શક્યો નહીં. ધુમાડામાં શ્વાસ રૂંધાવાથી ચારેય સભ્યોનું દુઃખદ મૃત્યુ થયું. આગનું કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ માનવામાં આવે છે કે શોર્ટ સર્કિટ કે અન્ય કોઇ ઇલેક્ટ્રિકલ ખામીથી આગ ફાટી નીકળી હશે.
આ હદયદ્રાવક ઘટનાએ સમગ્ર ગોધરા શહેરને શોકમાં મૂકી દીધું છે. જ્યાં એક તરફ પરિવાર સગાઈના આનંદમાં હતો, ત્યાં બીજી તરફ ભયાનક આગે બધું જ છીનવી લીધું. પોલીસ અને ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરાઈ છે.
કરુણ દુર્ઘટનામાં દોશી પરિવારના ચાર સભ્યનાં મોત
કમલભાઈ દોશી (ઉં.વ. 50) - પિતા અને જ્વેલર્સના માલિક
દેવલબેન દોશી (ઉં.વ. 45) - માતા
દેવ કમલભાઈ દોશી (ઉં.વ. 24) - જેની સગાઈ હતી તે યુવાન પુત્ર
રાજ કમલભાઈ દોશી (ઉં.વ. 22) - નાનો પુત્ર




















