Home Gujarat Gujarat Weather Update Gujarat Rainfall Predicted In The Middle Of Summer Know Where It Will Rain In Gujarat

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી : ભરઉનાળે આવી ગઈ કમોસમી વરસાદની આગાહી, જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ

ખેડૂતોના અરમાનો પર ફરી વળશે મુસીબતનું પાણી
Published by: OBS Bureau
Last Updated: Mar 17, 2026, 10:05 AM IST

કમોસમી વરસાદ અંગે આવી ગઈ મોટો આગાહી

હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતાતૂર

જાણો ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે માવઠાનો માર?

Gujarat Rain Forecast: એક તરફ હાલ સુર્યનો તાપ સૌ કોઈને દઝાડી રહ્યો છે. સુરજદાદા ધીરે ધીરે હવે આકરી ગરમીથી લોકોને અકળાવી રહ્યાં છે. એવામાં ભરઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે પબ્લિકને આ આગાહી રાહત આપનારી લાગી શકે છે. પરંતુ જગતનો તાત ગણાતા ખેડૂતો માટે ભરઉનાળે માવઠાની આગાહી મારી નાંખે તેવી હોય છે. કારણકે, કમોસમી વરસાદથી તેમની મહેનત પર મુસીબતનું પાણી ફરી વળે છે.

દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર એક અપર એર સર્ક્યુલેશન સર્જાયેલું છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આવતીકાલથી એટલે કે 18મી માર્ચથી ત્રણ દિવસ માટે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આમ, ગુજરાતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. હવામાન વિભાગે આજની તાજી આગાહીમાં જણાવ્યું છે કે આગામી 24 કલાક બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં સમુદ્ર સપાટીથી આશરે 0.9 કિમી ઉપર સર્જાયેલા અપર એર સર્ક્યુલેશનના કારણે આ બદલાવ જોવા મળશે.

માર્ચ મહિનાની શરૂઆતમાં રાજ્યમાં ભારે ગરમીનો અનુભવ થયો હતો, પરંતુ છેલ્લા થોડા દિવસોથી તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે, જેનાથી લોકોને રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા મુજબ, હાલમાં રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટમાં 38.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહુવામાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 16.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

આગામી દિવસોની આગાહી મુજબ, મહત્તમ તાપમાનમાં આગામી ત્રણ દિવસ દરમિયાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. લઘુત્તમ તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી તેમાં ખાસ બદલાવ નહીં આવે. અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન આશરે 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે.

18 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે મેઘગર્જના અને પવન સાથે વરસાદ પડી શકે છે.

19 માર્ચના રોજ વરસાદનું વ્યાપક પ્રમાણ વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

20 માર્ચના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. આ આગાહીથી ખેડુતો અને સામાન્ય નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે, ખાસ કરીને પવન અને વીજળીના જોખમને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવી જરૂરી બની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now