ગીર સોમનાથ જિલ્લામાં એક દુઃખદ અને હચમચાવી નાખે એવી ઘટના સામે આવી હતી. કોડીનાર તાલુકાના છારા ગામમાં સરકારી સ્કૂલમાં શિક્ષક અને સાથે BLO તરીકે ફરજ બજાવતા અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40 વર્ષ)એ પોતાના દેદાના દેવળી ગામે ઘરે આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે આજે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાએ મૃતકના પરિવારજનોની મુલાકાત લઈ તેમણે સાંત્વના આપી.
રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા આજે મૃતકના પરિવારજનો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. લગભગ 45 મિનિટ સુધી ચાલેલી આ બેઠક દરમિયાન પરિવારે પોતાની માંગણીઓ અને ચિંતાઓ મંત્રી સમક્ષ રજુ કરી હતી. શિક્ષણ મંત્રીએ પરિવારને સંપૂર્ણ સાંત્વના આપી અને તેમની માંગણીઓને ગંભીરતાથી સાંભળીને યોગ્ય પગલાં લેવા અંગે આશ્વાસન આપ્યું હતું.
મંત્રી સાથેની આ બેઠક બાદ પરિવારમાં સંતોષ જોવા મળ્યો હતો. ચર્ચા બાદ પરિવારજનો મૃતદેહ સ્વીકારવા તૈયાર થયા છે. સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તંત્રએ પણ પરિવાર સાથે સંવાદ જાળવી રાખ્યો હતો જેથી પરિસ્થિતિ શાંત અને સંવેદનશીલ રીતે સંભાળી શકાય.
લખી હતી સ્યુસાઈડ નોટ
મળેલી માહિતી મુજબ, આત્મહત્યા કરતા પહેલા અરવિંદભાઈએ પોતાની પત્ની માટે એક સ્યુસાઈડ નોટ લખી હતી. તેમાં તેમણે SIR સંબંધિત કામગીરી અને વધતી જવાબદારીઓથી ખૂબ જ થાકી જવાનો ઉલ્લેખ કર્યો હતો.




















