AAP ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ રાજ્ય સરકાર અને SIR ની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે SIRનું કામ ઝડપથી પૂરું કરવાની હોડ અને વહીવટી દબાણને કારણે BLO અને શિક્ષકો પર ભારે માનસિક તાણ વધી રહ્યું છે, જેના કારણે જીવલેણ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, 'ગીર સોમનાથમાં SIRના દબાણ હેઠળ એક શિક્ષક અને BLO એ આત્મહત્યા કરી જ્યારે કપડવંજમાં એક BLOને કામના કારણે હાર્ટ એટેક આવી જતા તેમનું મોત થયું'.
'...તો તરત જ AAP નો સંપર્ક કરવા વિનંતી'
ગઢવીએ કહ્યું કે 'છેલ્લા એક વર્ષમાં BLO અને શિક્ષકો પર વધારાની કામગીરીનો બોજ ખૂબ વધી ગયો છે. પાંચ કરોડ મતદારોનું કામ એક મહિનામાં BLO કેવી રીતે પતાવી શકે?' તેઓએ આક્ષેપ કર્યો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાતા સરકાર હવે SIR નું કામ જલદી બતાવવા દબાણ કરી રહી છે, જેના કારણે BLO કર્મચારીઓ પર અતિશય ભારણ સર્જાયું છે. ઈસુદાન ગઢવીએ BLOઓને અપીલ કરી કે કોઈ પણ પરિસ્થિતિમાં ખોટું પગલું ન ભરવું અને અતિદબાણમાં ન આવવું. તેમણે જણાવ્યું કે જો કોઈ ઉચ્ચ અધિકારી ખોટું કામ કરવાનું દબાણ કરે તો તરત જ AAPનો સંપર્ક કરવા વિનંતી. “AAPના કાર્યકર્તાઓ તમારી વ્હારે ઊભા રહેશે,” એવું પણ તેમણે જણાવ્યું.
'બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદારોને શોધે છે...'
તેમણે આક્ષેપ કર્યો કે શિક્ષકો પર 90 જેટલી વધારાની કામગીરી સોંપવામાં આવી છે, જેના કારણે તેઓ ભણાવશે ક્યારે એની ચિંતા ઊભી થઈ છે. બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદારોને શોધે છે અને મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ શોધે છે,” કહી તેમણે હાલની પરિસ્થિતિનું ચિત્ર રજૂ કર્યું. તેઓએ બેસુમાર દાવો કર્યો કે BJPના નેતાઓના બાળકો પ્રાઈવેટ સ્કૂલોમાં ભણે છે જ્યારે ગરીબ બાળકો માટેની સરકારી શાળાઓમાં આજે શિક્ષકો જ નથી.
'BLO અને શિક્ષકોના જીવ જોખમમાં ન મૂકો'
ઈસુદાન ગઢવીએ સરકારને અપીલ કરી કે શિક્ષકો પર દબાણ ઘટાડો, BLO ઓને શાંતિપૂર્વક કામ કરવા પૂરતો સમય આપો અને SIRની કામગીરી વેકેશન દરમિયાન પણ થઈ શકે છે એવું પણ સૂચન કર્યું. તેમના જણાવ્યા મુજબ, હાલમાં અનેક BLO અત્યંત દબાણ હેઠળ છે. ઈસુદાન ગઢવીએ અંતમાં કહ્યું, 'લોકોની જીંદગી કરતાં ચૂંટણી વધારે મહત્વની હોય એવી સ્થિતિ ન બનાવો. કોઈપણ ભોગે ચૂંટણી જીતવાની લ્હાયમાં BLO અને શિક્ષકોના જીવ જોખમમાં ન મૂકો'




















