ભાવનગર જિલ્લાના દેવળિયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવાના ઈરાદે કરાયેલા હુમલા બાદ સમગ્ર પાટીદાર સમાજમાં રોષ ફેલાયો છે. છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના વિવિધ ગામોમાં પાટીદાર પરિવારો પર થતા હુમલાઓને કારણે સમાજમાં અસંતોષની લાગણી વધી રહી છે.
30 કારના કાફલા સાથે પાટીદારો સુરતથી ભાવનગર પહોંચ્યા
આ ઘટનાનો પડઘો સીધો સુરત સુધી પહોંચી ગયો. સુરતમાં રહેતા પરંતુ સૌરાષ્ટ્ર સાથે સંબંધ ધરાવતા પાટીદારો સહિતના લોકોમાં આ હુમલાને લઈને ભારે દુઃખ વ્યક્ત થયું. પીડિત પરિવારને નૈતિક બળ મળે અને તેમની સાથે એકતા દર્શાય તે હેતુસર આજે (21 નવેમ્બર) સુરતમાંથી 30 કારનો વિશાળ કાફલો દેવળિયા ગામ માટે રવાના થયો અને સવારે ગામ પહોંચ્યો.
પાટીદારોએ પીડિત વૃદ્ધ દંપતીને હૂંફ આપી
દેવળિયા ગામે પહોંચ્યા બાદ સુરતના પાટીદારોએ પીડિત વૃદ્ધ દંપતીને હૂંફ આપી, તેમની હાલત વિષે પૂછપરછ કરી અને તેમને નૈતિક ટેકો આપ્યો. ત્યારબાદ બપોરે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના અગ્રણીઓ, સ્થાનિક લોકો અને સુરતથી આવેલા પ્રતિનિધિઓએ ભાગ લીધો. આ લોકસંવાદમાં પાટીદારો એ સ્પષ્ટ કર્યું કે સમાજ પર થતા હુમલા સામે તેઓ મજબૂત રીતે ઊભા રહેશે.
પીડિત પરિવારને નૈતિક ટેકો!
આ દરમિયાન પોલીસ અધિકારીઓ પણ દેવળિયા ગામે પહોંચ્યા. તેમણે ખેડૂતોને મળીને કાયદેસરની કાર્યવાહી અને સુરક્ષાની બાબતે માર્ગદર્શન આપ્યું. સુરતથી દેવળિયા સુધી 30 કારનો કાફલો જતી તસવીર સમાજની એકતા, સંકલ્પ અને અન્ન્યાય સામે ઉભા રહેવાની ભાવનાનો પ્રતિક બની છે. પાટીદાર સમાજે સાફ સંદેશ આપ્યો છે કે તેઓ પોતાના સભ્યો પર થતા હુમલા સહન નહીં કરે અને પીડિત પરિવારોને સંપૂર્ણ ટેકો આપશે.




















