ગીર સોમનાથ જિલ્લામાં એક દુઃખદ અને હચમચાવી નાખે એવી ઘટના સામે આવી છે. કોડીનાર તાલુકાના છારા ગામમાં સરકારી સ્કૂલમાં શિક્ષક અને સાથે BLO તરીકે ફરજ બજાવતા અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40 વર્ષ)એ પોતાના દેદાના દેવળી ગામે ઘરે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વિસ્તારમાં શોક અને ચકચારનું માહોલ સર્જાયો છે.
સ્યુસાઈડ નોટ લખી
મળેલી માહિતી મુજબ, આત્મહત્યા કરતા પહેલા અરવિંદભાઈએ પોતાની પત્ની માટે એક સ્યુસાઈડ નોટ લખી હતી. તેમાં તેમણે SIR સંબંધિત કામગીરી અને વધતી જવાબદારીઓથી ખૂબ જ થાકી જવાનો ઉલ્લેખ કર્યો હતો. નોટમાં તેમના માનસિક દબાણ અને તાણ વિશે પણ સંકેત મળી આવ્યા છે.
છારા ગામના BLOએ કરી આત્મહત્યા
અરવિંદભાઈ છારા કન્યા શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને સાથે જ ચૂંટણીની પ્રક્રિયામાં BLO તરીકે પણ કામગીરી કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી વધતી ફરજો અને દબાણને કારણે તેઓ માનસિક રીતે પરેશાન હોવાનું પરિવારજનોએ પણ જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ દેડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર બનાવ અંગે તપાસ શરૂ કરી છે. પોલીસે આત્મહત્યાના મૂળ કારણો જાણવા માટે સ્યુસાઇડ નોટ સહિત તમામ પાસાઓની તપાસ હાથધરી છે.




















