સુરેન્દ્રનગર જિલ્લામાં વેપારીઓને નિશાન બનાવી 2.49 કરોડ રૂપિયાની મોટા પાયે છેતરપિંડી કરાયાની ઘટના પ્રકાશમાં આવી છે. કડીના ત્રણ ઈસમોએ ખાદ્ય તેલના 12 હજાર ડબ્બાનો ઓર્ડર આપ્યા બાદ માલ મેળવી લીધો હતો, પરંતુ પૈસા ચુકવ્યાં જ નહોતાં. સુરેન્દ્રનગરમાં આવેલી તેલની ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં તેલના ડબ્બા ઉઠાવી લેવામાં આવ્યા બાદ મહેસાણાની એક પાર્ટીએ ચૂકવણી માટે કુલ 80 જેટલા ચેક આપ્યા હતા, પરંતુ બધા જ ચેક બાઉન્સ થતા વેપારી મુશ્કેલીમાં મુકાયો હતો.
વારંવાર રકમ માગવા છતાં આરોપીઓ ટાળી-મટોળ કરતા રહ્યા અને બાદમાં વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસ હરકતમાં આવી અને છેતરપિંડીના મુખ્ય આરોપી રજનીકાંત પટેલને ઝડપવામાં સફળતા મેળવી છે. બાકીના ઈસમો અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા હાલમાં વધુ લોકોને પૂછપરછ કરી વ્યવહારની સંપૂર્ણ ચેનને ખોલવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કુલ 2.49 કરોડ રૂપિયાની છેતરપિંડી થયા બાદ સમગ્ર વેપારી વર્ગમાં ચિંતા પેદા થઈ છે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.




















