વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પ્રતાપ સ્કૂલ ખાતે SIRની કામગીરી દરમિયાન મહિલા સહાયક BLO ઉષાબેન સોલંકીનું મોત થવાથી સમગ્ર તંત્રમાં હરકત મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, કામગીરી કરતી વખતે ઉષાબેન અચાનક ઢળી પડતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવાર પહેલા જ તેમનું અવસાન થયું હતું.
મૃતક ઉષાબેનના પતિ ઇન્દ્રસિંહે ગંભીર આક્ષેપ કર્યો છે કે અમે સુભાનપુરા વિસ્તારમાં પીડબ્લ્યુ ક્વાર્ટર્સમાં રહીએ છીએ અને મારી પત્ની મહિલા ગોરવા આઈટીઆઈમાં નોકરી કરે છે. તેઓ BLO સહાયક તરીકે કામગીરી કરતાં હતાં. ઇન્દ્રસિંહે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, "અમે તેમને તબિયત સારી ન હોવાથી અમે આ કામગીરી ન આપવા પણ રિક્વેસ્ટ કરી હતી. પરંતુ ઓફિસમાંથી આ ઓર્ડર જાણી જોઈને કર્યો છે, બે લોકોએ રૂબરૂમાં જઈને ઓર્ડર કરાવ્યા છે."
કામના ભાર અંગે કોઈ ફરિયાદ કે અરજી પણ આવી નહોતી : જિલ્લા કલેક્ટર
જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ આપેલા નિવેદનમાં જણાવ્યું કે ઉષાબેન હૃદયરોગના દર્દી હતાં અને તેમના પર કોઈ દબાણ કે ટાર્ગેટ મૂકવામાં આવ્યું નહોતું. તેમણે જણાવ્યું કે ઉષાબેન તરફથી કામના ભાર અંગે કોઈ ફરિયાદ કે ફરજમુક્તિ માટેની અરજી પણ આવી નહોતી. કલેક્ટરે વધુમાં કહ્યું કે ઉષાબેન અગાઉ ઘરેથી કામ કરતી વખતે પણ પડી જવાના બનાવો થયા હતાં. તેઓ ડેટા એન્ટ્રીનું કામ કરતાં હતાં અને તેમની સાથે સુપરવાઈઝર તથા સ્ટોર કીપર પણ સહકાર માટે હાજર હતાં. હાલ શહેરમાં 500 સ્થળે ડેટા એન્ટ્રી અને 1200 જેટલા કેમ્પ ચાલી રહ્યા છે.
કલેક્ટરે જણાવ્યું કે BLO તથા સ્ટાફનું કાર્યભાર ઓછું કરવા તંત્ર સતત પ્રયત્નશીલ છે અને આગામી 15 દિવસમાં વધુ તણાવમુક્ત વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વહીવટી તંત્રે પરિવારને સંપૂર્ણ સહાયની ખાતરી આપી છે.




















