ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તામાં 3 ગુજરાતીઓ ફસાયા છે. જેમાં એક કપલ અને બીજો એક વ્યક્તિ હતો. આ લોકો ફરવા માટે જાકાર્તા ગયા હતા. પરંતુ ફરવાની વાત તો બાજુએ રહી ત્યાં જઈને તેઓ ફસાઈ ગયા. જાકાર્તામાં શુક્રવારે આ કપલને હોટલમાં ગોંધી રખાયું હતું અને તેમના પરિવાર પાસે 18 લાખની માગ કરવામાં આવી હતી. તેમને હોટલમાં ગોંધી રાખીને ખંડણીની માગ કરનાર લોકોમાં એજન્ટ છે.
ફરવા માટે જાકાર્તા ગયા
મળતી માહિતી મુજબ, આ ત્રણમાંથી તાજેતરમાં એક અમદાવાદી યુવાનના લગ્ન થયાં હતા. યુવાન તેની પત્ની અને તેમની સાથે બીજો પણ એક યુવાન પણ જાકાર્તા ગયો હતો. 18મી તારીખે ત્રણેય જાકાર્તા એરપોર્ટ પહોંચ્યા હતા ત્યાર બાદ હોટલમાં રોકાયા હતા.
આ દરમિયાન શુક્રવારે બપોરે 12 વાગ્યે તેમની હોટલમાં એક અજાણ્યો શખસ આવ્યો અને પોતાની જાતને ઈમિગ્રેશન ઓફિસર તરીકે આપીને પાસપોર્ટ લઈ લીધા હતા. પછી એવું સામે આવ્યું કે એજન્ટ પ્રવીણ શર્મા અને તેના મળતિયાઓએ ગુજરાતી કપલને છોડાવવા માટે પરિવાર પાસેથી 18 લાખ રૂપિયા માંગ્યા હતા.
એજન્ટે નકલી વિઝા આપીને ફસાવ્યા
એવું પણ જાણવા મળ્યું છે કે પ્રવીણ શર્મા નામના એજન્ટે તેમને નકલી વિઝા આપીને ફસાવ્યાં હતા અને 18 લાખની માગણી કરી હતી. આ સમગ્ર મામલો હવે જાકાર્તાના ભારતીય દૂતાવાસમાં પહોંચ્યો હતો. સૌમિલના ભાઇએ શુક્રવારે ભારતીય દૂતાવાસને ઇમેલ કરી ઘટનાની જાણ કરી છે. પ્રવીણ શર્મા વોન્ટેડ છે. તેમની સાથે જાકાર્તામાં જે-જે ઘટના બની છે તેની પાછળ પ્રવીણ શર્માનો જ હાથ છે.




















