Vadodara Crime: વડોદરા શહેરના કબ્રસ્તાનમાં દફન કરાયેલ એક યુવાનનો મૃતદેહ આજે પોલીસ દ્વારા વિધિવત બહાર કાઢવામાં આવ્યો છે. તાંદલજા વિસ્તારમાં રહેતા ઈર્ષાદ અલી બંજારા નામના યુવાનનું બે-ત્રણ દિવસ પહેલાં કુદરતી મોત થયું હોવાનું પરિવારે માન્યું હતું, જેના આધારે તેમની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી.
પરંતુ બાદમાં પરિવારજનોએ યુવાનના મૃત્યુ પર શંકા વ્યક્ત કરતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. પરિવારનું કહેવું છે કે ઈર્ષાદ અલીનું મૃત્યુ સામાન્ય નથી અને તેની પાછળ સંભવિત હત્યાનો એંગલ હોઈ શકે છે. આ શંકાને ધ્યાને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
તપાસના ભાગરૂપે મૃતદેહને 5 માં દિવસે કબ્રસ્તાનમાંથી બહાર કાઢી વધુ તપાસ માટે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આ કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરશે.
પરિવારજન ઇમ્તિયાઝ અબ્દુલકરીમ વણઝારાએ જણાવ્યું કે ઈર્ષાદનું મૃત્યુ સામાન્ય પરિસ્થિતિમાં થયું નથી અને સાચો ન્યાય મળે તેની અપેક્ષા છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરી રહી છે.




















