The Chief Minister changed the venue: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માનવતાવાદી અભિગમને દર્શાવતી ઘટના પ્રકાશમાં આવી છે. વાત જાણે એમ બની કે મુખ્યમંત્રીએ જામનગરના એક પરિવારની વિનંતીને માન આપીને પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, જેથી એક દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી અને શાંતિપૂર્વક સંપન્ન થઈ શકે.
જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ
તારીખ 23-11-2025 ના રોજ જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના લગ્ન શહેરના ટાઉનહોલ ખાતે નક્કી થયા હતા. પરિવારમાં રૂડો અવસર હતો. હરખ મા'તો નહોતો, તમામ વિધિઓ અને તૈયારીઓ પૂર્ણતાના આરે હતી. ત્યાં સમાચાર મળ્યા કે, તા. 24-11-2025 ના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે પધારવાના છે. જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો જાહેર કાર્યક્રમ નિર્ધારિત થયો હતો. આ કાર્યક્રમ સંજના પરમારના લગ્નના માત્ર એક દિવસ પછી હોવાથી આસપાસના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવાઈ હતી. જેથી મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થાના પગલે લગ્નવિધિમાં અવરોધ ઉભો થવાની શક્યતા ઉભી થઈ. પરિણામે, પરમાર પરિવારની ચિંતા વધી.
પરિવારનો મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવા પ્રયાસ
પરિવારે આ મુદ્દે મુખ્યમંત્રી સુધી પોતાની વાત પહોંચાડવા પ્રયાસ કર્યો. વાત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી. વાત સાંભળી મુખ્યમંત્રીએ તરત કહ્યું, "આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા."મુખ્યમંત્રીના આદેશના પગલે કાર્યક્રમનું સ્થળ બદલાયું.
"અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું"- મુખ્યમંત્રી
આ ઘટનાક્રમમાં અંગે વાત કરતાં સંજના પરમારના કાકા બ્રિજેશ પરમાર કહે છે : મુખ્યમંત્રીને અમારા લગ્ન પ્રસંગની જાણ થતાં જ તેમણે અમારી સાથે વાતચીત કરી અને હૈયાધારણ આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે, "તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. અમે અમારા કાર્યક્રમનું સ્થળ બદલાવીશું." આમ, મુખ્યમંત્રીની આ સંવેદનાથી પરમાર પરિવારની ચિંતા દૂર થઈ.
બ્રિજેશ પરમારે આભાર માન્યો
બ્રિજેશ પરમાર મુખ્યમંત્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા કહે છે :" લગ્ન ગાળાની સીઝનમાં તાત્કાલિક નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્યવસ્થાઓ ઊભી કરવી. આ બધુ અમારા માટે અઘરું હતું. પણ આભાર મુખ્યમંત્રીનો, જેમણે અમારો પ્રસંગ શાંતિ અને સુખરૂપ યોજાય તે માટે તેમણે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલ્યું. મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા."
આ ઘટના દર્શાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો છે જ, પણ સાથે 'ઉત્તમ માણસ' છે. તેઓ જનતાની નાની મુશ્કેલીઓ માટે પણ સદા સંવેદશીલ છે.




















