Dudhsagar Dairy Election : મહેસાણાની દૂધસાગર ડેરીમાં ડિરેક્ટરોની ચૂંટણીને લઈને આજનો દિવસ મહત્વનો રહ્યો હતો. મહેસાણા વિભાગની બેઠક માટે અશોક ચૌધરીએ તેમનો ઉમેદવારી ફોર્મ ભર્યા હતો અને તેમના સામે એકપણ હરીફ ઉમેદવાર દ્વારા ફોર્મ ન ભરાતા તેઓ બિનહરીફ વિજેતા તરીકે નક્કી થઈ ગયા છે. અશોક ચૌધરી હાલમાં દૂધસાગર ડેરી તેમજ GCMMF (અમૂલ ફેડરેશન)ના ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે, જેના કારણે તેમની જીતને ખાસ મહત્વ મળ્યું છે.
15 બેઠકોની ચૂંટણી માટે 66 ઉમેદવારી ફોર્મ ભરાયા
ડેરીના નિયામક મંડળની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. દૂધસાગર ડેરીની કુલ 15 બેઠકોની ચૂંટણી માટે 66 ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જેનાથી અન્ય બેઠકો પર તીવ્ર સ્પર્ધા જોવા મળશે. પરંતુ મહેસાણા વિભાગની બેઠકમાં અશોક ચૌધરી સામે કોઈપણ ઉમેદવાર ઊભો ન રહેતાં તેઓનો બિનહરીફ વિજય ડેરી રાજકારણમાં તેમની મજબૂત પકડ અને પ્રભાવ દર્શાવે છે.
બિનહરીફ જીત ચર્ચાનો વિષય
આ ચૂંટણી બાદ દૂધ સંગ્રહ, ઉત્પાદન વ્યવસ્થા અને કૃષિ સહકારી ક્ષેત્રમાં અશોક ચૌધરીની આગેવાની ફરી એક વખત મજબૂત બની છે, જ્યારે ડેરી વર્તુળોમાં તેમની બિનહરીફ જીત ચર્ચાનો વિષય બની છે. જો કે, આ વખતે મહેસાણાના દૂધિયા રાજકારણમાં ગરમાવો જોવા મળત પરંતુ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા તૈયારી બતાવી હતી પરંતુ વાત ત્યાં અટકી કે, તેમના પર ચાલતા સાગર દાણ કૌભાંડ કેસની સુનવણી ફોર્મ ભરવાની તારીખ પછી સામે આવતા, વિપુલ ચૌધરીનો ડેરીમાં ચૂંટણી જીતનો મનસૂબો પૂરો થઈ શક્યો ન હતો.




















