Ahmedabad News : અમદાવાદના ઈસનપુર તળાવ વિસ્તારમાં છેલ્લા અનેક દાયકાઓથી કરવામાં આવેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે મહત્ત્વપૂર્ણ મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરાયું છે. ઈસનપુર તળાવની આસપાસ લગભગ 40 વર્ષથી કાચા-પાકા બાંધકામો કરીને જમીન પર દબાણો કરવામાં આવ્યા હતા. આ ગંભીર પરિસ્થિતિને દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વિશાળ તૈયારી સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી. સવારે 7 વાગ્યાથી AMCની મોટી ટીમે 20 JCB, હિટાચી મશીનો અને શ્રમિકોની મદદથી તોડકામનું કામ શરૂ કર્યું.
ડિમોલિશન અભિયાન પૂરજોશમાં
જ્યારે કુલ 500 મ્યુનિસિપલ કર્મચારીઓને આ કામગીરીમાં જોડાયા હતા. સુરક્ષા વ્યવસ્થાની દૃષ્ટિએ અમદાવાદ શહેર પોલીસે પણ ભારે બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેમાં ACP, PI, PSI અને પોલીસ કોન્સ્ટેબલો મળીને કુલ 500 જેટલા પોલીસ કર્મચારીઓને સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા હતાં, જેથી કાર્યવાહી કોઇ અવરોધ વગર પૂર્ણ થાય. ડિમોલિશન અભિયાન બે તબક્કામાં ચાલી રહ્યું છે.
4,000 કાચા-પાકા બાંધકામોને દૂર કરાયા
ફેઝ-1માં તળાવની આજુબાજુ આવેલા લગભગ 4,000 કાચા-પાકા બાંધકામોને દૂર કરવામાં આવ્યા, જેના કારણે 1.50 લાખ સ્ક્વેર મીટર જમીન મુક્ત કરાઈ હતી. ત્યારબાદ 20 મે, 2025એ ફેઝ-2નું કામ શરૂ થયું, જેમાં વધુ 8,500 બાંધકામો દૂર કરી કુલ 2.50 લાખ સ્ક્વેર મીટર જમીન ખાલી કરાવવામાં આવી. વર્ષોથી ચાલી રહેલા દબાણોને દૂર કરવા માટે ચાલી રહેલું આ મેગા ઓપરેશન અમદાવાદ શહેરમાં એક મોટા પગલા તરીકે ગણવામાં આવી રહ્યું છે, જેનાથી ઈસનપુર તળાવને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ રાહ ખુલ્લી પડી છે.




















