Ambalal Patel Forecast : જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારો થવાની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, બંગાળના ઉપ સાગર વિસ્તારમાં આ મહિનાના અંત તરફ તેમજ ડિસેમ્બરની શરૂઆતમાં ચક્રવાત ઉદ્ભવવાની શક્યતા છે. હાલ પવનની દિશા બદલાતા રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આગાહી અનુસાર 25 અને 26 નવેમ્બરથી લઘુત્તમ તાપમાન ધીમે ધીમે વધારો થશે. બે દિવસ બાદ તાપમાનમાં વધુ વધારો થઈ મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચે તેવી શક્યતા છે, જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન 30 ડિગ્રી જેટલું રહી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી
સાગરકાંઠાના વિસ્તારોમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનું અનુભવાઈ રહી છે, દિવસે ગરમી અને રાત્રે ઠંડી. અંબાલાલ પટેલે કહ્યું કે, ડિસેમ્બરના બીજા સપ્તાહથી હવામાનમાં મોટો પલટો આવશે, જેમાં 15 થી 17 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની અને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં માવઠું થવાની પૂરી શક્યતા છે.
રાજ્યમાં ‘કાતિલ ઠંડી’ વધુ વેગ પકડે તેવી શક્યતા
અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે, જેના પરિણામે 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં આકરી ઠંડીનો પ્રભાવ જોવા મળશે. ડિસેમ્બરના અંતમાં પણ હવામાન પલટાય તેવી શક્યતા છે અને જો પશ્ચિમી વિક્ષેપની અસર ઓછી થશે તો રાજ્યમાં ‘કાતિલ ઠંડી’ વધુ વેગ પકડે તેવી શક્યતા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જાન્યુઆરી માસમાં હાડ થીજવતી ઠંડી રહેશે, જ્યારે 11 અને 12 જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠું થતા જોવા મળી શકે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.




















