Rajkot BJP News : રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સૌરાષ્ટ્રના રાજકારણમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારમાંથી અંજલીબેન રૂપાણીને સક્રિય કરવાની ચર્ચાઓ તેજ બની હતી. સૌરાષ્ટ્ર ભાજપનો ગઢ ગણાતો વિસ્તાર હોવાને કારણે અંજલીબેનને સંગઠનમાં આગળ લાવવા માટે પાર્ટીએ ખાસ વ્યૂહરચના તૈયાર કરવાનું શરૂ કર્યું છે.
રાજકીય વર્તુળોમાં અનેક તર્ક–વિતર્ક
બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષ, ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને અંજલીબેન રૂપાણી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. આ બેઠક પછી સંગઠનમાં અને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક–વિતર્ક ઉઠ્યા છે. બેઠક દરમિયાન એક અનોખી ઘટના પણ બની હતી. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેને આ બેઠકમાંથી બહાર રાખવામાં આવ્યા હતા.
માધવ દવેને બેઠક ખંડની બહાર બેસાડવામાં આવ્યા
અંજલીબેન રૂપાણી સાથેની ચર્ચા શરૂ થતાં જ માધવ દવેને બેઠક ખંડની બહાર બેસાડવામાં આવ્યા, જેના કારણે સંગઠનની આંતરિક રાજનીતિ અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આવી પરિસ્થિતોમાં સૌરાષ્ટ્ર ભાજપની ગતિશીલતા અને આવનારી ચૂંટણીની તૈયારીને લઈને નવો રાજકીય માહોલ સર્જાયો હોવાનું માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકારણમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના પરિવારને ફરી સક્રિય બનાવવા પાર્ટીની આ મથામણ ચર્ચાનો વિષય બની છે. અંજલીબેન રૂપાણીને આગામી સમયમાં સંગઠનમાં મોટો હોદ્દો આપવામાં આવે તેવા રાજકીય સંકેતો પણ મળી રહ્યા છે.




















