Uttarakhand Accident : ઉત્તરાખંડના નરેન્દ્રનગર નજીક કુંજપુરી-હિંદોળાખાલ વિસ્તારમાં મુસાફરોથી ભરેલી બસ 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી ગઈ છે, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસમાં કુલ 29થી વધુ લોકો સવાર હતા, જેમાં અત્યાર સુધીમાં 5 ગુજરાતીઓનાં મૃત્યુ થયાની આશંકા છે. મૃતકોમાં ચાર મહિલા અને એક યુવાનનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં વધુ 17થી વધુ મુસાફરો ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક ઋષિકેશના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
SDRFની 5 ટીમો તૈનાથ
અકસ્માતની જાણ થતાં ટિહરી પોલીસ અને SDRFની 5 ટીમો તરત ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. સ્થાનિક રાહદારીઓ અને બચાવકર્મીઓની મદદથી ઘાયલોને સુરક્ષિત સ્થળે લાવવામાં આવ્યા. ટિહરીના પોલીસ અધિકારી આયુષ અગ્રવાલે અકસ્માતની પુષ્ટિ કરી છે. અકસ્માતગ્રસ્ત બસનો નંબર UK14PA1769 છે.
લોકોમાં ખળભળાટ અને ચિંતા
આ ઘટના વિસ્તારના લોકોમાં ખળભળાટ અને ચિંતાનું કારણ બની છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટિહરીમાં થયેલી અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને ઘાયલો માટે તાત્કાલિક સારવારની વ્યવસ્થા કરવા તંત્રને આદેશ આપ્યા છે. ઘટનાના પરિણામે વિસ્તરમાં સાવધાનીના પગલાં વધારવામાં આવ્યા છે અને બચાવ કામગીરી તેજ કરી છે.




















